અહીં કબરની આસપાસ બેસીને લોકો કરે છે ચા નાસ્તો, જાણો અમદાવાદના સૌથી અલગ કબ્રસ્તાન વષે.
આપણો દેશ વિવિધતાઓનો દેશ છે. અહીં તમને દરેક ખૂણામાં કાંઈક એકદમ ખાસ તો કાંઈક વિચિત્ર જોવા મળી જશે. અને તેમાંથી એક છે અમદાવાદમાં આવેલું ન્યુ લકી રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટ આખી દુનિયામાં સૌથી ખાસ છે. આવો તમને તેના વિષે વિસ્તારથી જણાવીએ.
મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રેસ્ટોરન્ટ કબરની આસપાસ બનાવવામાં આવ્યું છે. અને આ આજકાલનું નહિ પણ લગભગ 50 વર્ષ જૂનું છે. આ ન્યુ લકી રેસ્ટોરન્ટ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે.
ન્યુ લકી રેસ્ટોરન્ટમાં કબરની બાજુમાં જ ફૂડ ટેબલ મુકવામાં આવ્યા છે. લોકો અહીં બેસીને ચા અને નાસ્તાનો આનંદ લે છે. અહીં આવેલી કબરોની આસપાસ લોખંડની જાળી લગાવી દેવામાં આવી છે જેથી તેના પર કોઈનો પગ ના પડે. તમને કદાચ આ થોડું વિચિત્ર લાગે છે, પણ અહીં નિયમિત આવતા ગ્રાહકોને આ વાતની બિલકુલ નવાઈ નથી લાગતી.
જાણકારી માટે એ પણ જણાવી દઈએ કે, ભારતના જાણીતા ચિત્રકાર એમ.એફ. હુસૈન પણ આ જગ્યાાએ નિયમિત આવતા હતા. અને અહીં તેમણે બનાવેલી એક પેઇન્ટિંગ પણ છે. તે આ રેસ્ટોરન્ટની શોભા વધારે છે.
રેસ્ટોરન્ટના મેનેજરે જણાવ્યુ હતું કે, હુસૈન સાહેબને અહીંની ચા ખૂબ જ પસંદ હતી અને તે જેટલી વાર અમદાવાદ આવતા ત્યારે આ જગ્યાની મુલાકાત જરૂર લેતા. હુસૈને આ રેસ્ટોરન્ટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “અહીં જીવન અને મો તબંનેનો અનુભવ થાય છે.”
અમદાવાદનું આ ન્યુ લકી રેસ્ટોરન્ટ એક જુના કબ્રસ્તાન ઉપર બનાવવામાં આવેલું છે. પહેલા અહીંયા એક લારી હતી. પછી સમય જતા મોટું રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું. અહીંના માલિક કૃષ્ણયન કટ્ટીએ જ્યારે અહીં મોટું રેસ્ટોરન્ટ બનાવ્યું ત્યારે તેમણે અહીંની કબરો કાઢી નહિ પણ તેની આસપાસ જ ખુરશી ટેબલ લગાવી દીધા.
અહીંના માલિક કૃષ્ણયન કટ્ટી કહે છે કે આ કબરો સારા નસીબ લઈને આવી છે. આ કબરોને લીધે જ અમારું ભાગ્ય ખુલી ગયું છે. કબરો પહેલા જેમ હતી તેમજ અત્યારે પણ છે. અહીં આવીને લોકોને અનોખો અનુભવ મળે છે. અને અમારા ગ્રાહકોને તેનાથી કોઈ સમસ્યા નથી. આ રેસ્ટોરન્ટ ખુલે એટલે સૌથી પહેલા સાફસફાઈ કરવામાં આવે છે અને આ કબરો ઉપર ચાદર અને તાજા ફૂલ ચઢાવવામાં આવે છે. કબરોની પણ નિયમિત સફાઈ કરવામાં આવે છે.
આખી દુનિયાના ટ્રાવેલર્સ પોતાની જિજ્ઞાસાને કારણે આ રેસ્ટોરન્ટમાં આવે છે. આ કબરો રેસ્ટોરન્ટ માટે લકી છે. આ રેસ્ટોરન્ટની અંદર 12 કબર છે. સ્થાનિકોનું માનવું છે કે, આ કબર 16 મી સદીના સૂફી સંતોની છે.