પપ્પાએ મોબાઈલથી દુર રાખવા માટે ચેસ શીખવાડી, હવે બની ગયો દુનિયાનો સૌથી નાની ઉંમરનો ગ્રેંડમાસ્ટર.
અભિમન્યુ મિશ્રા દુનિયાનો સૌથી યુવાન ગ્રેંડમાસ્ટર છે. 12 વર્ષ 4 માસ અને 25 દિવસની ઉંમરમાં તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેના નામે દુનિયાના સૌથી નાની ઉંમરના માસ્ટર અને અમેરિકી ઈતિહાસમાં સૌથી નાની ઉંમરમાં નેશનલ માસ્ટર બનવાનો રેકોર્ડ નોંધાયો છે. ન્યુજર્સીમાં રહેતા અભિમન્યુનું કુટુંબ ભોપાલના કોલાર ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. આ છોટા ઉસ્તાદ સાથે ન્યુઝ એજન્સીએ ચેસ (શતરંજ), અભ્યાસને લઈને ઘણી બાબતો ઉપર વાતચીત કરી. જે નીચે મુજબ છે.
તમે ક્યારથી ચેસ રમી રહ્યા છો?
હું અઢી વર્ષની ઉંમરથી ચેસ રમી રહ્યો છું. પપ્પાએ આઈપેડથી દુર રાખવા માટે ચેસ રમાડવાનું શરુ કર્યું. તેમણે સારી રીતે સ્ટોરી, વાર્તાઓ દ્વારા હાથી ઘોડાનો પરિચય કરાવ્યો. બે વર્ષ સુધી રોજ મને એક કલાક ચેસ રમાડતા હતા. આ રીતે મને ચેસ સાથે પ્રેમ થઇ ગયો અને 5 વર્ષની ઉંમરમાં ટુર્નામેન્ટ રમવાનું શરુ કરી દીધું.
કો-વી-ડમાં ચેસ રમવું કેવું રહ્યું?
ગ્રેંડમાસ્ટર એવોર્ડ માટે 77 દિવસ બુડાપેસ્ટમાં રહેવું પડ્યું. એટલા દિવસમાં 70 મેચો રમી. સૌથી મોટો પડકાર માસ્ક અને શિલ્ડ સાથે રમવાનો હતો. ધ્યાન ન ભટકે એટલા માટે ઘરે જ કલાકો માસ્ક અને શિલ્ડ સાથે પ્રેક્ટીસ કરતો હતો.
તમે ટુર્નામેન્ટની તૈયારી કેવી રીતે કરો છો?
દરેક હાર પછી તેના કારણ ઉપર કામ કરું છું. નક્કી કરું છું કે કરેલી ભૂલ ફરી ન થાય. રોજ 12 કલાક પ્રેક્ટીસ કરું છું. મારા કોચ ગ્રેંડમાસ્ટર અરુણ પ્રસાદ સુબ્રમણ્યમ સાથે મારા હરીફની છેલ્લી મેચ જોઉં છું અને રણનીતિ બનાવું છું.
ચેસ સાથે જોડાયેલા યાદગાર કિસ્સા સંભળાવશો?
હું સાડા પાંચ વર્ષનો હતો તો મારો સામનો 35 વર્ષના હરીફ સાથે થયો. બાજી સાંજે 7 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી ચાલી. હરીફે મારા થાકનો ફાયદો ઉઠાવ્યો. મેં ડ્રો ની ઓફર કરી પણ વિરોધીએ ના કહી દીધી. મારે ગેમ છોડવી પડી. પણ બીજા વર્ષે મેં રમતા પહેલા સારી ઊંઘ લીધી અને જીત્યો પણ.
અભ્યાસ માટે કેવી રીતે સમય કાઢો છો?
ટુર્નામેન્ટ અને પ્રેક્ટીસને કારણે જ સ્કુલ માટે સમય નથી કાઢી શકતો. ગયા વર્ષે એક વર્ષમાં જ પાંચમા અને છઠ્ઠા ધોરણનો કોર્ષ પૂરો કર્યો. જેથી મને આ આખા વર્ષની રજા મળી શકે અને આ સમયનો રમતમાં ઉપયોગ કરી શકું.
ભારત સાથે કેટલા જોડાયેલા છો?
હું અમેરિકામાં જન્મ્યો છું. પણ મારું ઘર ભોપાલમાં છે. મારા કાકા, ફઈ અને દાદા બઘા ભોપાલમાં રહે છે અને મોસાળ આગરામાં છે. મને ભોપાલ સાથે ઘણો પ્રેમ છે. ત્યાં ઓટો રીક્ષામાં ફરવાનું ગમે છે. હું ત્યાં 2018 અને તે પહેલા 2016 માં ગયો હતો. મને યાદ છે કે 2016 માં હું હાઈસ્કુલના વિદ્યાર્થીઓ સાથે ચેસ રમ્યો હતો અને જીત્યો હતો.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.