મમરાના ચિલ્લા અને મમરાના અપ્પમ : આજે અમે તમને એકદમ હેલ્થી અને ઝડપથી બની જાય તેવા મમરાના ચિલ્લા કે અપ્પમ બનાવવાની રીત જણાવશું.
જરૂરી સામગ્રી :
૨ કપ મમરા
૧/૨ કપ રવો
૧/૪ કપ દહીં
૧/૨ પાણી
૧/૨ ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ
૨ ઝીણા સમારેલા મરચા
૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
૧/૪ કપ ઝીણા સમારેલા ટામેટા
૧/૪ કપ છીણેલું ગાજર
૪-૫ નાના કઢી પત્તાં (કઢી લીમડો)
૨ ટેસ્પૂન સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
૧/૪ ટીસ્પૂન સોડા
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
તેલ.
મમરાના ચિલ્લા કે અપ્પમ બનાવવા ખીરું તૈયાર કરવાની રીત :
સૌ પ્રથમ ૨ કપ મમરામાં ૩ કપ જેટલું પાણી ઉમેરી તેને પલળવા મૂકી દો જેથી મમરા ઢીલા થઈ જાય.
૧/૨ કપ સોજી/રવો લો. આ રવામાં ૧/૪ કપ સહેજ ખાટ્ટુ દહીં અને ૨-૩ ચમચા પાણી ઉમેરી મિક્સ કરી લો.
આ ખીરાને અને મમરાને ૧૫-૨૦ મિનિટ સુધી મૂકી રાખો.
૨૦ મિનિટ પછી મમરા માંથી વધારાનું પાણી કાઢીને તેને અને સોજીનું જે ખીરું તૈયાર કરું છે તે બંનેને મિક્સરમાં પીસી લઈશું. આ મિશ્રણમાં જરૂર મુજબ ૧/૨ કપ જેટલું પાણી ઉમેરીશું.
આ સોજી-મમરાનું ખીરું મીડીયમ જાડું, પાથરી શકાય તેવું રાખવું.
આ તૈયાર થયેલ ખીરામાંથી હેલ્થી અને સ્વાદિષ્ટ ચિલ્લા કે અપ્પમ બનાવવા આપણે શાકભાજી ઉમેરીશું.
સૌ પ્રથમ ખીરામાં આદુ મરચાની પેસ્ટ, તીખાશ માટે ઝીણા સમારેલા બે મરચા, ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, છીણેલું ગાજર અને ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, અને સમારેલી કોથમીર ઉમેરો. (તમે તમારી પસંદ મુજબ બાફેલી મકાઈના દાણા, વટાણા, કેપ્સિકમ ઉમેરી શકો છો). ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.
ખીરું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરો, તેના પર ૧/૨ ટીસ્પૂન લીંબુ નો રસ ઉમેરો જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. ફરીથી ખીરાને બરાબર હલાવી લો.
આ ખીરા માંથી આપણે ચિલ્લા કે અપ્પમ બનાવી શકીશું.
ચિલ્લા બનાવવાની રીત :
એક તવી પર થોડું તેલ લઈને તેને સરખું ફેલાવી લઈશું. ધીમા તાપે ૧-૨ ચમચા જેટલું ખીરું લઈને તેને ગોળ આકારમાં ફેલાવી લઈશું. પછી મધ્યમ તાપે ચિલ્લાને એક બાજુથી બરાબર શેકાવા દઈશું.
અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે ગેસનું તાપમાન ઊંચું નથી રાખવાનું. મીડીયમ તાપે જ ચિલ્લાને શેકાવા દેવાનો છે.
એક બાજુથી ચિલ્લો બરાબર શેકાઈ જાય પછી તેને બીજી તરફથી ફેરવીને તેવી જ રીતે શેકાવા દઈશું.
તો તૈયાર છે મમરાનો શાકભાજીથી ભરપૂર હેલ્થી ચિલ્લો. આ ચિલ્લાને લીલી ચટણી કે ટામેટાના સોસ સાથે સર્વ કરો.
મમરાના અપ્પમ બનાવવા માટેની રીત :
આ જ ખીરા માંથી આપણે અપ્પમ પણ બનાવી શકીએ છીએ.
તેના માટે અપ્પમ બનાવવાની કડાઈમાં દરેક કેવિટીમાં થોડું તેલ ઉમેરો.
દરેક કેવિટીમાં એક એક ચમચી જેટલું ખીરું ઉમેરીને કડાઈને ઢાંકી દો.
એક બાજુથી દરેક અપ્પમ બરાબર ક્રિષ્પી થાય ત્યાં સુધી શેકીને તેને ફેરવી બીજી બાજુથી પણ શેકાવા દઈશું.
તો તૈયાર છે મમરાના હેલ્થી અપ્પમ.
આ અપ્પમને લિલી ચટણી કે ટામેટાના સોસ સાથે સર્વ કરો.