રણજી અને વિજય મર્ચન્ટ ટ્રોફીના આ ખેલાડીએ સચિન અને સૌરવ જેવા લેજન્ડની બેટિંગ ક્વોલિટી સુધારી હતી, જાણો ક્રિકેટની અજાણી વાતો.
આજે આપણે વાત કરીશું પ્રકાશ ભગતની. તમારામાંથી ઘણા બધા લોકોને આ વ્યક્તિ વિષે ખબર નહિ હોય. તો જણાવી દઈએ કે, આ તે વ્યક્તિ છે જે એક સમયે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ જેવા મોટા ખેલાડીઓ સાથે હતા. આસામના સિલચરના આ ક્રિકેટર આજે રસ્તાના કિનારે એક સ્ટોલ ઉપર ચા, દાળપૂરી વેચવા માટે મજબુર છે.
આ ડાબેરી સ્પિનરે બિહાર સામે અંડર-17 વિજય મર્ચન્ટ ટ્રોફી મેચમાં હેટ્રિક સહીત 7 વિકેટ લીધી હતી, તેનાથી તેમની પ્રતિભા વિષે ખબર પડે છે. પ્રકાશે રણજી ટ્રોફીમાં પણ આસામનું પ્રતિનિધિત્વ કર્યું. હાલના દિવસોમાં તેમના રૂટિનમાં સીલચરમાં પોતાની માં સાથે રોડના કિનારે સ્ટોલ ઉપર બેસવાનું લખાયુ છે.
સીલચરના ઇટાખોલા વિસ્તારમાં રહેતા 34 વર્ષના પ્રકાશે બાળપણથી જ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા અને એક દિવસ ભારત માટે રમવાના સપના જોયા હતા. કુટુંબની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પણ પ્રકાશ પોતાના ટેલેન્ટ અને ધગશના બળ ઉપર રાજ્ય કક્ષાના ક્રિકેટર બન્યા અને રણજી, વિજય મર્ચન્ટ ટ્રોફીની મેચો રમ્યા.
2002-03 માં ન્યુઝીલેન્ડના પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયા તૈયારીમાં લાગી હતી. ત્યાર પ્રકાશને બેંગલુરુમાં આવેલી નેશનલ ક્રિકેટ અકેડમી માંથી આમંત્રણ આપવામાં આવ્યું. તે આમંત્રણ મેળવીને પ્રકાશને નવાઈ લાગી. તે મોટી આશાઓ સાથે બેંગલુરુ જવા માટે રવાના થયા.
તે સમયે ન્યુઝીલેન્ડની ટીમના સ્પિનર વેટોરીની આખી દુનિયા ડરતી હતી. ટીમ ઇન્ડિયાના તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલી અને ટીમના બીજા સભ્યો વેટોરીની બોલિંગનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. ગાંગુલી ઇચ્છતા હતા કે, ટીમના મુખ્ય બેટ્સમેનો લેફ્ટ હેંડ સ્પિનરની બોલિંગનો સામનો કરવાની વધુમાં વધુ પ્રેક્ટીસ કરે. કેમ કે વેટોરી તે પ્રકારના બોલર હતા.
તે સમયે પ્રકાશે નેશનલ ક્રિકેટ અકેડમીમાં સૌરવ ગાંગુલી અને બીજા બેટ્સમેનને નેટ્સ ઉપર પ્રેક્ટીસ કરાવી હતી. પ્રકાશ તે દિવસોને યાદ કરતા જણાવે છે કે, તે સમયે હું અંડર-17 પ્લેયર હતો. હું સૌરવ ગાંગુલી, સચિન તેંદુલકર, વીવીએસ લક્ષ્મણને મળ્યો હતો. નેટ પ્રેક્ટીસ દરમિયાન ગાંગુલી સામે મેં બોલિંગ પણ કરી હતી.
પ્રકાશના જણાવ્યા મુજબ તેમની ક્રિકેટ કારકિર્દીની શરુઆત 1999 માં સીલચરથી થઇ, અને તેમણે જીલ્લા ટીમની આગેવાની કરી. 2007 માં સીલચરની ટીમ નુરુદ્દીન ટ્રોફી ઈંટર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ ચેમ્પીયનશીપની વિજેતા બની. રણજી ટ્રોફીમાં તેઓ બે સીઝન માટે આસામની ટીમ તરફથી રમ્યા. પ્રકાશે 2009 થી 2011 સુધી આસામ માટે બે સીઝનમાં રણજી ટ્રોફી મેચ રમી.
પિતાના ગયા પછી તેમના ઘરની સ્થિતિ બદલાઈ ગઈ. કુટુંબની જવાબદારી પ્રકાશ ઉપર આવી ગઈ. પ્રકાશની સામે બે જ વિકલ્પ હતા ક્રિકેટ રમવાનું ચાલુ રાખવું કે પછી કુટુંબની જવાબદારી ઉપાડે. પ્રકાશના જણાવ્યા મુજબ એક જ સમયે બંને વસ્તુ કરવી તેમના માટે શક્ય ન હતી. ક્રિકેટમાં કારકિર્દી માટે રેગ્યુલર પ્રેક્ટીસ ઘણી જરૂરી છે. પ્રકાશનું કહેવું છે કે, ત્યારથી તેમનું ક્રિકેટ છૂટવાનું શરુ થયું. મોટા ભાઈનું આરોગ્ય સારું રહેતું ન હતું. એટલા માટે પ્રકાશે ઘરની જવાબદારી સંભાળવાનું બીડું ઉપાડ્યું.
પ્રકાશે ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, અમે ભાડાના મકાનમાં રહેતા હતા. હું એક કંપનીમાં કામ કરતો હતો પણ કો-વી-ડ-19 લોકડાઉનને કારણે તે નોકરી છૂટી ગઈ. ત્યારે મને 10,000-12,000 રૂપિયા મહિનાના મળતા હતા જે કુટુંબ માટે મોટો ટેકો હતો. તે જોબ જતી રહ્યા પછી કુટુંબ માટે મુશ્કેલી વધી ગઈ. મારા પિતા પહેલા ચા નો સ્ટોલ ચલાવતા હતા. હવે માં અને હું તે સંભાળીએ છીએ.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.