બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeખેતીખેતી છોડીને શાકભાજીની નર્સરી તૈયાર કરી, દર વર્ષે 8 કરોડ બીજનું કરે...

ખેતી છોડીને શાકભાજીની નર્સરી તૈયાર કરી, દર વર્ષે 8 કરોડ બીજનું કરે છે પ્રોડક્શન, ઇટલીમાં પણ કરે છે સપ્લાઈ.


આ ભાઈએ શરૂ કરી નર્સરી, પોતે તો કમાય જ છે સાથે જ 100 લોકોને પણ રોજગાર આપ્યો.

હરિયાણાના કુરુક્ષેત્ર જીલ્લાના રહેવાસી હરબીર સિંહ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પોલીટીકલ સાયન્સ માંથી માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે નોકરીને બદલે ખેતીમાં કારકિર્દી બનાવવાનો પ્લાન કર્યો. તે પોતાના પિતા સાથે મળીને પારંપરિક ખેતી કરવા લાગ્યા. તેમાં કાંઈ ખાસ નફો ન થઇ રહ્યો હતો. ત્યાર પછી હરબીર સિંહને નર્સરી ઉભી કરવાનો વિચાર આવ્યો.

તેમણે 2005 માં થોડી એવી જમીનમાં નર્સરીની શરુઆત કરી. આજે 16 એકર જમીન ઉપર તેમની નર્સરી છે. તેઓ દર વર્ષે 8 કરોડ બીજનું પ્રોડક્શન કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહીત દેશભરના ખેડૂતો તેમની પાસેથી બીજની ખરીદી કરે છે. એટલું જ નહિ, ઇટલીમાં પણ તેમની નર્સરીના છોડ જાય છે. તેનાથી તેઓ સારો એવો નફો પણ કમાઈ રહ્યા છે.

શરુઆતમાં મધમાખી ઉછેરમાં અજમાવ્યો હતો હાથ :

45 વર્ષના હરબીર સિંહ જણાવે છે, શરુઆતમાં થોડા વર્ષ પસાર થયા પછી મને એ અનુભવ થઈ ગયો કે પારંપરિક ખેતીમાં વધુ સારી આવક નથી. એટલા માટે કાંઈક નવું કરવાનો વિચાર કરી રહ્યો હતો. હિમાચલ પ્રદેશના એક વ્યક્તિએ મારા બગીચામાં મધમાખી ઉછેરનો સેટઅપ લગાવ્યો હતો. મેં તેની પાસેથી 6 બોક્સ લીધા અને જાતે પણ મધમાખી ઉછેર કરવા લાગ્યો. સારો રિસ્પોન્સ મળ્યો તો મેં વિસ્તાર વધારી દીધો. થોડા દિવસો કોમર્શિયલ લેવલ ઉપર પણ કામ કર્યું. હવે મારી પાસે 70 બોક્સ છે. જોકે હવે તે કામ બિઝનેસની જગ્યાએ શોખ માટે કરું છું.

ખેતી માટે છોડ ન મળ્યા તો પોતાની નર્સરી શરુ કરવાનો પ્લાન કર્યો :

હરબીર સિંહ જણાવે છે કે, 15-16 વર્ષ પહેલા છોડની ખરીદી માટે પંજાબના એક નર્સરી વાળા પાસે ગયો હતો. ત્યાં જવા પર ખબર પડી કે બીજ લગાવવાના બે થી ત્રણ મહિના પહેલા તેનું બુકિંગ કરાવવું પડે છે. મને એ બાબતમાં જાણકારી ન હતી અને મેં બુકિંગ પણ કરાયું ન હતું. એટલા માટે મને ત્યાંથી ખાલી હાથે પાછો મોકલી દેવામાં આવ્યો. તે જણાવે છે કે, તે બનાવથી મને ઘણી તકલીફ થઈ. અને ત્યારે મેં નક્કી કરી લીધું કે, આ નર્સરીથી મોટું પોતાનું સેટઅપ તૈયાર કરીશ.

ઘરે પાછા ફર્યા પછી હરબીર સિંહે પોતાની જમીનના થોડા ભાગ ઉપર સીઝનલ શાકભાજીઓના બીજ સાથે નર્સરીની શરુઆત કરી. આ ફિલ્ડમાં નવા હતા અને પહેલાથી કોઈ તાલીમ લીધી ન હતી, એ કારણે જ શરુઆતના થોડા વર્ષ તેમણે નુકશાની વેઠવી પડી. ઘણી વખત છોડ યોગ્ય રીતે તૈયાર ન થયા તો ઘણી વખત યોગ્ય કિંમત ન મળી.

રીસર્ચ અને નવી ટેકનોલોજી ઉપર જોર આપ્યું :

નર્સરી વિષે જાણકારી મેળવવા માટે હરબીર સિંહે રીસર્ચ ઉપર જોર આપ્યું. તેમણે ઘણા મેગેઝીન અને સમાચાર પત્રોમાં છપાયેલા રીપોર્ટસ વાંચ્યા. કેટલાક ખેડૂતોને મળ્યા. પછી તે મુજબ નવા નવા પ્રયોગ કરતા ગયા. તેનાથી ધીમે ધીમે તેમનો પ્રોડક્શન દર વધવા લાગ્યો. આગળ જતા તેમણે ડ્રીપ ઇરીગેશન સીસ્ટમ લગાવી. છોડ તૈયાર કરવા માટે પોલીહાઉસ બનાવ્યું. તેનાથી તેમનો વિસ્તાર વધતો ગયો. હરબીર સિંહ જણાવે છે કે મેં બે વસ્તુ ઉપર સૌથી વધુ ધ્યાન આપ્યું. પહેલું જે બેગમાં અમે છોડ તૈયાર કરીએ છીએ તેના પર અને બીજું તે મીડીયમ જેની મદદથી છોડનો ગ્રોથ થાય છે.

સામાન્ય રીતે ખેડૂત બીજ તૈયાર કરવા માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે. જયારે હરબીર સિંહ પ્લાસ્ટિક બેગને બદલે કપડા માંથી તૈયાર કરવામાં આવેલી બેગ વાપરે છે. અને મીડીયમ તરીકે તે અનાજની બળેલી રાખ, નદીની રેતી અને ખાતરના રૂપમાં છાણનો ઉપયોગ કરે છે.

કેવી રીતે તૈયાર કરે છે બીજ?

હરબીર સિંહ હાલમાં બે રીતે બીજ તૈયાર કરી રહ્યા છે. એક પોલીહાઉસની અંદર અને બીજું પોલીહાઉસની બહાર એટલે ખુલ્લા ખેતરોમાં. પોલીહાઉસની અંદર તેમણે નર્સરીનો સેટઅપ લગાવ્યો છે. જ્યાં તે માટીને બદલે અનાજની બળેલી રાખ અને નદીની રેતીનો ઉપયોગ કરે છે. જયારે ખાતર માટે છાણનો ઉપયોગ કરે છે. આ બધાને મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરે છે. ત્યાર પછી તેમાં બીજ ઉગાડે છે. સિંચાઈ માટે તેમણે ડ્રીપ ઇરીગેશનની વ્યવસ્થા કરી છે. 30 થી 40 દિવસની અંદર તે છોડ તૈયાર થઇ જાય છે. તેમાં તેઓ કુકુરબીટસ વેરાયટીના શાકભાજીના બીજ ઉગાડે છે.

તે ઉપરાંત હરબીર પોતાના ખેતરોમાં પણ બીજ તૈયાર કરે છે. તેના માટે પહેલા તે લાંબા અને પાતળા ક્યારા બનાવી દે છે. તેની ઉપર છાણનું ખાતર, અનાજની બળેલી રાખ અને નદીની રેતી મિક્સ કરે છે. ત્યાર પછી તેમાં બીજને રોપી દેવામાં આવે છે. તેમાં તેઓ બટેટા, ટમેટા, ડુંગળી જેવા શાકભાજીના બીજ તૈયાર કરે છે. આ પ્રોસેસમાં વારંવાર સિંચાઈની જરૂર નથી પડતી. તે સામાન્ય રીતે ઓક્ટોબરમાં મોટાભાગના શાકભાજીના બીજ તૈયાર કરે છે.

કેવી રીતે કરે છે માર્કેટિંગ?

માર્કેટિંગ માટે હરબીર સિંહ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તે પોતાની નર્સરીના ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા રહે છે. તેનાથી બીજા રાજ્યોના લોકો સુધી તેમની પહોંચ બની છે. આજે હરિયાણા સાથે જ પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર સહીત લગભગ તમામ રાજ્યોમાં તેમના ગ્રાહક છે.

મોટાભાગના ખેડૂત પોતે આવીને તેમની નર્સરી માંથી બીજ લઇ જાય છે. અમુક ખેડૂતોને ત્યાંથી તેમને એડવાન્સ ઓર્ડર પણ મળે છે. છેલ્લા થોડા વર્ષોથી હરબીર સિંહ પોતાના ખેતરમાં તૈયાર કરેલા બીજ ઇટલી પણ મોકલી રહ્યા છે. હરબીર સિંહ જણાવે છે કે, અમારી ક્વોલેટી જ માર્કેટિંગ સ્ટ્રેટજી છે. જે ખેડૂત એક વખત બીજ લઇ જાય છે, બીજી વખત તે બીજા ખેડૂતોને પણ સાથે લઈને આવે છે.

હરબીર સિંહ આખા વર્ષમાં 8 કરોડથી પણ વધારે બીજનું પ્રોડકશન કરે છે. તેમાં સીઝનના હિસાબે ઉગતા શાકભાજીના બીજ હોય છે. હરબીર સિંહ નર્સરી ચલાવવાની સાથે સાથે ખેડૂતોને તાલીમ આપવાનું પણ કામ કરે છે. તેમની પાસે સેંકડો ખેડૂત તાલીમ લેવા માટે આવે છે. તેમણે ઘણી સ્કુલ કોલેજો સાથે પણ ટાઈઅપ કર્યું છે. જ્યાંથી બાળકો તેમની પાસે તાલીમ લેવા આવે છે. લગભગ 100 લોકોને હરબીર સિંહે તેમના આ સ્ટાર્ટઅપ દ્વારા રોજગારી પણ આપી છે. તેમાં મોટાભાગની મહિલાઓ સામેલ છે. જે તેમની નર્સરીમાં છોડની જાળવણી કરે છે.

દોઢ લાખથી કરી શકાય છે નર્સરીની શરુઆત :

નર્સરીનો સ્ટાર્ટઅપ ઘણે અંશે એ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે કેવા પ્રકારના બીજ અને કયા પ્લાન્ટના છોડ તૈયાર કરી રહ્યા છો. કેટલાક બીજોની કીંમત સામાન્ય હોય છે તો કેટલાકની થોડી વધુ. જો ઓછા બજેટ સાથે કોઈ ખેડૂત નર્સરીની શરુઆત કરવા માંગે છે, તો તે લાખ દોઢ લાખથી શરુઆત કરી શકે છે. તેમાં તે સીઝનલ શાકભાજીના બીજ તૈયાર કરી શકે છે. માર્કેટ ડેવલપ થયા પછી ખેડૂત ધારે તો તેનો વિસ્તાર વધારી શકે છે. નર્સરીના બિઝનેસમાં ત્રણથી ચાર ગણા સુધી કમાણી થઇ જાય છે. આ બિઝનેસમાં ખેડૂતો માટે સૌથી મોટો પડકાર ઋતુ અને વરસાદથી છોડને બચાવવાનો હોય છે. તેના માટે છોડને પ્લાસ્ટિક થી કવર કરી શકાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular