ભારતમાં ઉગેલા ડ્રેગન ફ્રુટની વિદેશમાં નિકાસ, ગુજરાત સહીત આ રાજ્યમાંથી લંડન અને બહરીન મોકલવામાં આવ્યા.
જે વિદેશી ફળોનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેની નિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ આવી રહી છે. આ કડીમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોના ખેતરોમાં ઉગાડવામાં આવેલા ફાઈબર અને ખનીજથી ભરપુર ડ્રેગન ફ્રુટ પહેલી વખત લંડન અને બહરીન મોકલવામાં આવ્યા છે. ડ્રેગન ફ્રુટને ભારતમાં કમલમ પણ કહેવામાં આવે છે.
વિદેશી ફળ ડ્રેગન ફ્રુટની જે ખેપ લંડનમાં નિકાસ કરવામાં આવી છે, તેને કચ્છ ક્ષેત્રના ખેડૂતો પાસેથી પ્રાપ્ત કરવામાં આવી અને ગુજરાતના ભરૂચમાં આવેલા એપીડા પેકહાઉસ દ્વારા નિકાસ કરવામાં આવી. જયારે બહરીનમાં નિકાસ કરવામાં આવેલી ડ્રેગન ફ્રુટની ખેપને પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુરના ખેડૂતો પાસેથી પ્રાપ્ત કરવામાં આવી અને કોલકતામાં આવેલા એપીડા દ્વારા નિકાસ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ડ્રેગન ફ્રુટની દુબઈ કરવામાં આવી હતી નિકાસ : આ પહેલા જુન 2021 માં ડ્રેગન ફ્રુટની એક ખેપ મહારાષ્ટ્રના સાંગલી જીલ્લાના તડાસર ગામના ખેડૂતો પાસેથી પ્રાપ્ત કરવામાં આવી હતી. જેની એપીડા દ્વારા દુબઈમાં નિકાસ કરવામાં આવી હતી.
ભારતમાં ક્યારથી શરુ થયું ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન? ભારતમાં ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન 1990 ના દશકની શરુઆતમાં કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તેને ઘરેલું ઉદ્યોગો તરીકે ઉગાડવામાં આવવા લાગ્યું. ડ્રેગન ફ્રુટની નિકાસ કિંમત વધુ હોવાને કારણે જ હાલના વર્ષોમાં દેશમાં તેની ઘણી લોકપ્રિયતા વધી છે. જુદા જુદા રાજ્યોના ખેડૂત ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે.
આ દેશોમાં થાય છે ડ્રેગન ફ્રુટની ઉપજ : ડ્રેગન ફ્રુટની ખેતી માટે પાણીની ઓછી જરૂર પડે છે. ડ્રેગન ફ્રુટની ઉપજ ખાસ કરીને મલેશિયા, થાઈલેન્ડ, ફિલીપીન્સ, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને વિયતનામ જેવા દેશોમાં કરવામાં આવે છે.
ડ્રેગન ફ્રુટની જાતો : ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમની ત્રણ મુખ્ય જાતો છે. જેમાં ગુલાબી સફેદ, ગુલાબી લાલ અને પીળા સફેદ રંગ વાળા ડ્રેગન ફ્રુટ સામેલ છે.
ભારતમાં આ રાજ્યોમાં થાય છે ડ્રેગન ફ્રુટની ખેતી : મંત્રાલય મુજબ હાલના સમયમાં ડ્રેગન ફ્રુટ મોટાભાગે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડીશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને અંડમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં ઉગાડવામાં આવે છે. પશ્ચિમ બંગાળ નવું રાજ્ય છે, જે હવે ડ્રેગન ફ્રુટની ખેતી કરવા લાગ્યું છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.