રવિવાર, જૂન 4, 2023
Homeલેખકોણ હતી તે મહિલા જેમણે અબજોની સંપત્તિ વાળી ટાટા કંપનીની આર્થિક સંકટમાં...

કોણ હતી તે મહિલા જેમણે અબજોની સંપત્તિ વાળી ટાટા કંપનીની આર્થિક સંકટમાં કરી હતી મદદ?


જાણો તે મહિલા વિષે જેમના લીધે આર્થિક સંકટમાં પણ ટાટા કંપનીએ એકપણ કર્મચારીને છુટા કર્યા ન હતા, રતન ટાટા સાથે છે આ સંબંધ.

ટાટા ગ્રુપની ઉદારતા અને દાન-ધર્મથી આપણે બધા પરિચિત છીએ. જ્યારે પણ દેશ હોય કે તેમની કંપનીનો કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે ટાટા ગ્રુપે તેમને પોતાના હાથે સંભાળ્યા છે. પરંતુ એક સમય હતો જ્યારે અબજોનું દાન-ધર્મ કરનારી આ કંપની પણ ખરાબ સમયમાંથી પસાર થઈ હતી, જ્યારે આ કંપની આર્થિક રીતે ગરીબ બની ગઈ હતી. આવી સ્થિતિમાં, એક મહિલા હતી જેણે આ કંપનીને આર્થિક સંકટમાંથી બચાવી અને તેને પુનર્જીવિત કરી.

તે મહિલા લેડી મહેરબાઈ ટાટા હતી. તેમણે જ ટાટા સ્ટીલ કંપનીને (Tata Group) આજે ઉંચાઈની ટોચ પર પહોંચાડી છે. બહુ ઓછા લોકો તેમના વિશે જાણે છે. તેણીને પ્રથમ ભારતીય નારીવાદી પ્રતીકો (First Indian Feminist Icons) માંની એક માનવામાં આવે છે. લેડી મેહરબાઈ ટાટા તે યુગની ખૂબ જ આગળની વિચારસરણી ધરાવતી મહિલા હતી, તેમણે બાળલગ્નથી લઈને મહિલાઓના મતાધિકાર સુધી અને છોકરીઓના શિક્ષણથી લઈને પડદા પ્રથા સુધીની સમસ્યાઓ માટે પણ સખત પ્રયત્નો કર્યા હતા.

હરીશ ભટ્ટે પોતાના નવા પુસ્તક TataStories : 40 Timeless Tales To Inspire You માં જણાવ્યું છે કે, કેવી રીતે ‘લેડી મેહરબાઇ ટાટા’ એ આ પ્રતિષ્ઠિત કંપનીને બચાવી. લેડી મહેરબાઈ ટાટા સર દોરાબજી ટાટાની પત્ની હતી, જે જમસેદજી ટાટાના મોટા પુત્ર હતા. દોરાબજી ટાટા તેમના માટે લંડનના વેપારીઓ પાસેથી 245.35 કેરેટ જુબલી હીરો ખરીદીને લાવ્યા હતા, જે કોહિનૂર (105.6 કેરેટ, કટ) કરતા બમણો મોટો હતો. 1900 ના દાયકામાં તેની કિંમત આશરે 1,00,000 પાઉન્ડ હતી. લેડી મેહરબાઈ આ કિંમતી ગળાનો હાર ખાસ પ્રસંગોએ જ પહેરતી હતી, પરંતુ વર્ષ 1924 માં સંજોગોએ એવો વળાંક લીધો કે લેડી મેહરબાઈએ તેને ગીરવી રાખવાનું નક્કી કર્યું.

હકીકતમાં, તે સમયે ટાટા સ્ટીલ નાણાકીય કટોકટીને કારણે પોતાની કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવવામાં અસમર્થ હતી. ત્યારે લેડી મહેરબાઈ કંપની અને ટાટા પરિવારનું સન્માન બચાવવા આગળ આવ્યા હતા. ત્યાર બાદ તેમણે કંપનીના કર્મચારીઓ અને કંપનીને બચાવવા માટે જુબલી ડાયમંડ સહિત પોતાની સમગ્ર વ્યક્તિગત સંપત્તિ ઈમ્પિરિયલ બેંકને ગીરવે આપી દીધી જેથી ટાટા સ્ટીલને બચાવવા માટે ભંડોળ ઉભું કરી શકાય. લાંબા સમય પછી, કંપનીએ વળતર આપવાનું શરૂ કર્યું અને પરિસ્થિતિમાં સુધારો થવા લાગ્યો.

હરીશ ભટ્ટ તેમના પુસ્તકમાં જણાવે છે કે, તે તીવ્ર સંઘર્ષના સમયમાં, એક પણ કામદારને છૂટો કરવામાં આવ્યો ન હતો અને આ માત્ર લેડી મેહરબાઈ ટાટાના કારણે તે શક્ય બન્યું હતું.

ટાટા ગ્રુપ અનુસાર, સર દોરાબજી ટાટા ટ્રસ્ટની સ્થાપના માટે લેડી મેહરબાઈ ટાટાનો આ હીરો સર દોરાબજી ટાટાના દુનિયામાંથી વિદાય લીધા પછી વેચવામાં આવ્યો હતો. આ સિવાય, લેડી મહેરબાઈ ટાટા 1929 માં પસાર થયેલા શારદા એક્ટ અથવા બાળલગ્ન પ્રતિબંધ કાયદામાં સલાહકાર પણ હતા, તેમણે ભારતમાં તેમજ વિદેશમાં તેના માટે સક્રિયપણે અભિયાન ચલાવ્યું હતું.

લેડી મેહરબાઈ ટાટા ટેનિસમાં એટલી નિપુણ હતી કે તેમણે ટેનિસ ટુર્નામેન્ટમાં 60 થી વધુ એવોર્ડ જીત્યા હતા. આ સિવાય તે ઓલિમ્પિક ટેનિસ રમનાર પ્રથમ ભારતીય મહિલા પણ હતી. તેમના વિશે રસપ્રદ બાબત એ છે કે તે પારસી સાડી પહેરીને તમામ ટેનિસ મેચ રમતા હતા. તે અને તેમના પતિ ઘણીવાર વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર ટેનિસ મેચ જોતા દેખાયા હતા.

માત્ર ટેનિસ જ નહીં, તે એક ઉત્તમ ઘોડેસવાર તેમજ કુશળ પિયાનો વાદક પણ હતા. 1912 માં, જેપેલિન એયરશીપમાં સવાર થનારી પ્રથમ ભારતીય મહિલા પણ તેઓ જ હતા.

તમને જણાવી દઈએ કે, લેડી મેહરબાઈ ટાટા રાષ્ટ્રીય મહિલા પરિષદ અને અખિલ ભારતીય મહિલા સમ્મેલનનો પણ ભાગ હતા, તેમણે 1930 માં અખિલ ભારતીય મહિલા સમ્મેલનમાં મહિલાઓને સમાન રાજકીય દરજ્જાની માંગણી કરી હતી. લેડી મેહરબાઈ ટાટા ભારતમાં ભારતીય મહિલા લીગ સંધના પ્રમુખ હતા અને બોમ્બે પ્રેસિડેન્સી મહિલા પરિષદના સ્થાપકોમાંના એક હતા. લેડી મેહરબાઈના નેતૃત્વમાં ભારતને આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં પણ શામેલ કરવામાં આવ્યું હતું.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular