શું તમે જાણો છો શ્રીગણેશને મોદક સૌથી વધારે પ્રિય હોવાના કારણ વિષે? અહીં જાણો તેનું કારણ.
હિંદુ કેલેન્ડર મુજબ હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો ગણેશોત્સવની રાહ જુએ છે. આ તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથ (ચતુર્થી) તિથીથી શરૂ થાય છે અને અનંત ચૌદશ (ચતુર્દશી) સુધી ચાલુ રહે છે. આ દરમિયાન, ભગવાન ગણેશના ભક્તો ધામધૂમથી ઘરમાં તેમની મૂર્તિ લાવે છે. ગણપતિની મૂર્તિની સ્થાપના કર્યા પછી, તેઓ ગણપતિની સેવા કરે છે, તેમને સૂકા મેવા, ફળો, મીઠાઈઓ અને તેમની મનપસંદ વાનગીઓ ધરાવે છે.
આ વખતે ગણેશોત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને 19 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ પ્રસંગે લોકો 5, 7 કે 9 દિવસ માટે ઘરે ગણપતિની મૂર્તિ લાવે છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ સૌથી વધુ ઉજવવામાં આવે છે. ત્યાં લોકો ચોક્કસપણે ગણપતિને મોદક ધરાવે છે. નારિયેળ અને ઘી માંથી સ્વાદિષ્ટ મોદક બનાવવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે ગણપતિને મોદક ખૂબ પ્રિય છે. જાણો આ માન્યતા પાછળનું કારણ શું છે.
પહેલી કથા : ગણેશજીને મોદક પ્રિય હોવા બાબતે ઘણા પ્રકારની વાતો પ્રચલિત છે. પહેલી કથા અનુસાર, એકવાર ભગવાન શિવ સૂઈ રહ્યા હતા અને ગણેશજી દરવાજાની રક્ષા કરી રહ્યા હતા. તે સમયે પરશુરામ ત્યાં આવે છે. ગણેશજી પરશુરામને અંદર જતા અટકાવે છે. આથી પરશુરામ ગુસ્સે થઈ જાય છે અને ગણેશ સાથે યુ ધકરવા લાગ્યા. જ્યારે પરશુરામનો પરાજય થવા લાગે છે ત્યારે તે ગણેશજી પર શિવજી દ્વારા આપેલા પરશુથી હુ મલો કરે છે. આ કારણે ગણેશજીનો એક દાંત તૂટી જાય છે.
દાંત તુટવાને કારણે તેમને ઘણો દુઃખાવો થાય છે અને ખાવામાં પણ તકલીફ થવા લાગે છે. પછી તેમના માટે મોદક તૈયાર કરવામાં આવે છે કારણ કે મોદક ખૂબ નરમ હોય છે. મોદક ખાવાથી તેમનું પેટ ભરાઈ જાય છે અને તે ખૂબ જ ખુશ થાય છે. ત્યારથી મોદક ગણપતિની પ્રિય વાનગી બની ગઈ છે. એવું માનવામાં આવે છે કે, જે પણ તેને મોદક ધરાવે છે, તેમના પર ગણપતિ ખૂબ પ્રસન્ન થાય છે.
આ પણ છે એક માન્યતા : મોદક વિશેની બીજી કથા ગણેશજી અને માતા અનુસુયાની છે. કહેવાય છે કે એકવાર ગણપતિ, ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે માતા અનુસુયાના ઘરે ગયા હતા. તે સમયે ત્રણેય જણા ગણપતિ, ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ ભૂખ્યા હતા. માતા અનુસુયાએ વિચાર્યું કે, પહેલા હું ગણેશજીને ખવડાવીશ, તે પછી હું મહાદેવ અને માતા પાર્વતીને ખવડાવીશ. જ્યારે માતા અનુસુયાએ ગણપતિને ખવડાવવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે લાંબા સમય સુધી ખાવાનું ચાલુ રાખ્યું. પણ તેમની ભૂખ શાંત થવાનું નામ નહોતી લઈ રહી.
પછી માતા અનુસુયાએ વિચાર્યું કે, તેમને કોઈ મીઠાઈ ખવડાવવાથી કદાચ તેમની ભૂખ શાંત થઈ જાય. આવી સ્થિતિમાં માતા અનુસુયા ગણપતિ માટે મીઠાઈનો ટુકડો લઈને આવ્યા. તેને ખાતા જ ગણેશજીનું પેટ ભરાઈ ગયું અને તેમણે જોરથી ઓડકાર લીધો. તે જ સમયે ભોલેનાથે પણ 21 વખત જોર જોરથી ઓડકાર લીધા અને કહ્યું કે તેમનું પેટ ભરાઈ ગયું છે.
પાછળથી દેવી પાર્વતીએ માતા અનુસુયાને તે મીઠાઈનું નામ પૂછ્યું, તો માતા અનુસુયાએ કહ્યું કે તેને મોદક કહેવામાં આવે છે. ત્યારથી મોદકને ગણપતિની પ્રિય વાનગી માનવામાં આવે છે. અને ભગવાન ગણેશને મોદક ધરાવવાની પરંપરા શરૂ થઈ છે. એવું માનવામાં આવે છે કે, જો ભગવાન ગણેશને 21 મોદક ધરાવવામાં આવે તો તેમની સાથે તમામ દેવોના પેટ ભરાઈ જાય છે. આ સાથે ગણપતિ અને અન્ય તમામ દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.