એક સમયે 10 રૂપિયા માટે મજૂરી કરનાર યુવક આજે કરોડોનું ટર્નઓવર કરતી કંપની ચલાવે છે, કર્મચારીઓને પણ બનાવ્યા કરોડપતિ.
આજે અમે તમને જણાવીશું એવા દૈનિક વેતન કામદાર વિષે જેમણે 730 કરોડની કંપની ઉભી કરી લીધી. આ સ્ટોરી છે મુસ્તફા પીસીની. મુસ્તફા પીસીનો જન્મ કેરળના એક દુરના ગામડામાં થયો હતો. તેમના પિતા એક દૈનિક વેતન પર કામ કરતા મજુર હતા. મુસ્તફા પોતે પણ કામ ઉપર જતા હતા. પિતા એટલા શિક્ષિત ન હતા, પણ પોતાના બાળકોને શિક્ષિત કરવાના સપના જોતા હતા. તેમના દીકરાએ ધોરણ 6 માં નાપાસ થયા પછી સ્કુલ જવાનું છોડી દીધું હતું, પણ એક ટીચરની પહેલથી ફરી સ્કુલ ગયા અને આટલી મોટી કંપની ઉભી કરી.
એક ઈન્ટરવ્યુંમાં મુસ્તફા પીસી જણાવે છે કે, અમને માંડ માંડ 10 રૂપિયા દૈનિક મજુરી મળતી હતી. એક દિવસમાં ત્રણ વખત ભોજન કરવું એક સપનું હતું. હું પોતે જ કહીશ, હવે ખાવાનું શિક્ષણથી વધુ મહત્વપૂર્ણ છે. અને આજ ખાવાના વેપાર સાથે જોડાઈને મુસ્તફા પીસીએ એક કંપની ઉભી કરી, જેનું નામ છે ‘આઈડી ફ્રેશ ફૂડ’. તે દેશની સફળ કંપનીઓ માંથી એક છે, જેનું ટનઓવર 730 કરોડનું છે.
આઈડી ફ્રેશ ફૂડના સીઈઓ મુસ્તફા પીસીએ જણાવ્યું કે, જયારે મેં અભ્યાસ છોડ્યો તો એક શિક્ષકે મને સ્કુલમાં પાછા આવવા માટે રાજી કરી લીધો અને ત્યાં સુધી કે તેમણે મને મફતમાં ભણાવ્યો પણ. તેમના શિક્ષણને કારણે મેં ગણિતમાં મારા ક્લાસમાં ટોપ કર્યું, પછી સ્કુલ ટોપર બની ગયો. જ્યારે કોલેજ જવાનો સમય આવ્યો, તો તે શિક્ષકે મારી ફી ચુકવી.
મુસ્તફા પીસીએ જણાવ્યું કે, જયારે મને નોકરી મળી અને મેં મારો પહેલો પગાર 14,000 રૂપિયા કમાયો, તો મેં તે પગાર મારા પપ્પાને આપી દીધો. મારા પપ્પા રડવા લાગ્યા અને કહ્યું – તું મારા જીવનભરની કમાણીથી વધુ કમાયો છે. મુસ્તફાને વિદેશમાં નોકરી મળી, ત્યાર પછી તેમણે પોતાના પિતાનું 2 લાખનું દેવું માત્ર બે મહિનામાં ઉતારી દીધું.
સારા પગાર વાળી નોકરી હોવા છતાં પણ મુસ્તફા પીસી પોતાનો બિઝનેસ શરુ કરવા માંગતા હતા. આઈડી ફ્રેશ ફૂડનો આઈડિયા ત્યારે આવ્યો, જયારે મુસ્તફાના પિતરાઈ ભાઈએ એક સપ્લાયરને એક સાદા પાઉંચમાં ઈડલી-ઢોંસાનું ખીરું વેચતા જોયા. ગ્રાહક તેની ગુણવત્તા વિષે ફરિયાદ કરી રહ્યા હતા. મુસ્તફાના પિતરાઈ ભાઈએ તેમને ‘ગુણવત્તા વાળી બેટર કંપની’ બનાવવાના આઈડિયા સાથે બોલાવ્યા અને આ રીતે આઈડી ફ્રેશ ફૂડનો જન્મ થયો.
મુસ્તફા પીસીએ કંપનીની શરુઆત 50,000 રૂપિયાના રોકાણથી કરી. 50 ચોરસ ફૂટના રસોડામાં ગ્રાઈંડર, મિક્સર અને એક વજનદાર મશીન સાથે શરુઆત કરવા વાળા મુસ્તફા જણાવે છે કે, અમારે એક દિવસમાં 100 પેકેટ વેચવા માટે 9 મહિનાની રાહ જોવી પડી. ઘણી બધી ભૂલો કરી અને તેમાંથી શીખ્યા.
મુસ્તફા જણાવે છે, ત્રણ વર્ષ પછી મને અનુભવ થયો કે, અમારી કંપનીને મારા પૂરા સમયની જરૂર છે. એટલા માટે મેં નોકરી છોડી દીધી અને પોતાની બધી બચત પોતાના ધંધામાં લગાવી દીધી. તેમજ ગભરાયેલા માતા-પિતાને વિશ્વાસ અપાવ્યો કે, જો બિઝનેસ નિષ્ફળ થશે તો તેમને હંમેશા એક નવી નોકરી મળી શકે છે. આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો, જયારે તે પોતાના કર્મચારીઓને પગાર આપી શકતા ન હતા.
મુસ્તફા યાદ કરીને જણાવે છે કે, અમે અમારા 25 કર્મચારીઓને વચન આપ્યું હતું કે એક દિવસ અમે તેમને કરોડપતિ બનાવીશું. આઠ વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી રોકાણકારોને મળવાથી કંપનીનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું. છેવટે અમે અમારા કર્મચારીને કરેલા વાયદા પુરા કર્યા, તે બધા હવે કરોડપતિ છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.