શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeલેખનારિયેળના છોતરાને ફેંકો નહિ પણ આ 10 રીતોથી કરો તેનો ઉપયોગ, તમારા...

નારિયેળના છોતરાને ફેંકો નહિ પણ આ 10 રીતોથી કરો તેનો ઉપયોગ, તમારા ઘણા કામો સરળતાથી થઈ જશે.


ના કરશો નારિયેળના છોતરાને નકામાં સમજીને ફેંકવાની ભૂલ, ઘરના કામોમાં કરો તેનો ઉપયોગ, જાણો કેવી રીતે.

નારિયેળનો ઉપયોગ ભારતીય ભોજનમાં વધુ કરવામાં આવે છે. એટલું જ નહી ઘણા લોકો તેને કાચા પણ ખાવાનું પસંદ કરે છે. નારિયેળ ખાધા પછી લોકો તેના છોતરાને ફેંકી દે છે, પણ તેનો બીજી ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. મોટા મોટા કારખાનામાં નારિયેળના છોતરા માંથી દોરી, જુટ બેગ, મેટ વગેરે વસ્તુ બનાવવામાં આવે છે, પણ ઘરમાં લોકો તેને નકામી સમજીને ફેંકી દે છે. નારિયેળના છોતરાથી તમે તમારા ઘરના ઘણા નાના મોટા કામો સરળતાથી ઉકેલી શકો છો.

ઘણા સ્થળો ઉપર બ્યુટી રૂટીનની સાથે સાથે ઘરેલું કામોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે વિચારી રહ્યા છો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી શકે છે? તો આજે અમે તમારી સમસ્યા દુર કરી દઈશું. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કેટલીક એવી ટ્રીક્સ વિષે, જે જાણ્યા પછી તમે પણ નારિયેળના છોતરાને ફેંકશો નહિ પણ તેને ઉપયોગમાં લેશો.

(1) ખાતરની જેમ કરો ઉપયોગ : મોટાભાગના લોકોએ છોડ ઉગાડતા પહેલા માટીમાં કોકોપીટનો ઉપયોગ કર્યો હશે. કોકોપીટ નારિયેળનું ભૂસું જ હોય છે, જેને માટીમાં મિક્સ કરવામાં આવે છે. કુંડામાં માટી સાથે કોકોપીટ મિક્સ કરવાથી માટી કડક નથી રહેતી, જેથી છોડના મૂળને વધારવામાં સરળતા રહે છે. સાથે જ કોકોપીટ છોડને પોષણ આપવાનું કામ કરે છે.

કોકોપીટ બનાવવા માટે નારિયેળના છોતરા જે થોડા નરમ હોય, તેને એક મોટા વાસણમાં પાણી ભરી તેમાં પલાળી દો અને 15 દિવસ માટે રહેવા દો. 15 દિવસ પછી તેને પાણી માંથી કાઢી લો અને કાતરની મદદથી નાના પીસમાં કટ કરી લો. હવે પાવડરના શેપમાં તેને લાવવા માટે મીક્ષરમાં પીસી લો. હવે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

(2) વાસણ ધોવા માટે બનાવો સ્ક્રબર : નારિયેળના છોતરાનો ઉપયોગ વાસણ ધોવા માટે પણ કરી શકાય છે. જો તમારી પાસે સ્ક્રબર નથી તો નારિયેળના છોતરા લો અને તેને ગુચ્છાની જેમ બનાવી લો, હવે તેનો ઉપયોગ વાસણ ધોવા માટે કરો. તેનાથી દાઝેલા કે પછી તેલ લાગેલા વાસણ સારી રીતે ધોવાઇ જાય છે. માર્કેટ માંથી ખરીદીને લાવેલા સ્ક્રબરની સરખામણીમાં તે વધુ અસરકારક રીતે કામ કરે છે. તમે ધારો તો એક વખત જરૂર ટ્રાઈ કરો.

(3) નારિયેળમાં લગાવો છોડ : નારિયેળના વધેલા ભાગનો ઉપયોગ આપણે ઘરે છોડ ઉગાડવા માટે પણ કરી શકીએ છીએ. જયારે તમે નારિયેળનું પાણી અને કોપરું કાઢવા માટે અડધું કટ કરો છો તો તેને એક શેપમાં લાવીને વચ્ચેથી કટ કરો. ત્યાર પછી તેમાં માટી નાખીને છોડ ઉગાડો. ઈંડોર પ્લાન્ટ્સ લગાવવા માટે આ ઓપ્શન તમે ટ્રાઈ કરી શકો છો. તમે ધારો તો નારિયેળના છોતરાને બહારથી રંગી પણ શકો છો. તે જોવામાં પણ ઘણા સુદંર લાગે છે.

(4) ખાવાનું બનાવવા માટે કરો ઉપયોગ : જો તમે ખાવાનું માટીના ચુલા ઉપર બનાવો છો તો નારિયેળના છોતરાનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને લાકડામાં આગ પકડવામાં વાર લાગે છે, પણ તમે તેમાં નારિયેળના છોતરાનો ઉપયોગ કરશો તો તે આગ તરત પકડી લેશે. એટલું જ નહિ શીયાળામાં ગરમાવો લાવવા માટે મોટા એવા લોખંડના વાસણમાં તેની મદદથી તાપણું પણ કરી શકાય છે. તેના માટે પણ નારિયેળના છોતરાનો ઉપયોગ કરવામાં આવે છે.

(5) નારિયેળના છોતરાથી શણગારો ઘર : કોકોનેટ સેલ અને નારિયેળના છોતરાને તમે ઘરને ડેકોરેટ કરવા માટે ઉપયોગમાં લઇ શકો છો. કોકોનેટ સેલનો ઉપયોગ કેંડલ બનાવવા કે પછી કોઈ પણ ડેકોરેટીવ આઈટમ તૈયાર કરવા માટે કરી શકાય છે. એટલું જ નહિ તમે ધારો તો તેને ઉનાળામાં ચકલીને પાણી આપવા માટે પણ બહાર ટીંગાડી શકો છો. નારિયેળના છોતરાને એક શેપ આપ્યા પછી તમે ધારો તો તેને કોઈ પણ રીતે ડેકોરેટ કરવા માટે ઉપયોગ કરી શકો છો.

(6) નેચરલ ડાઈની જેમ કરો ઉપયોગ : ઘણી મહિલાઓ નારિયેળના છોતરાનો ઉપયોગ નેચરલ ડાઈ બનાવવા માટે કરે છે. તેના માટે લોખંડની કડાઈ લો અને ગેસ ઉપર ધીમા તાપ ઉપર ગરમ કરી દો. હવે તેમાં નારિયેળના છોતરાને રાખી દો, તેમાંથી એક કે બેને સળગાવો એટલે ધીમે ધીમે બધા છોતરા આગ પકડી લેશે. એમ કરતી વખતે કડાઈને રૂમની બહાર લઇ આવો કેમ કે ધુમાડાથી સમસ્યા ઉભી થઇ શકે છે.

હવે બધા નારિયેળના છોતરાને સારી રીતે સળગાવી લો, જેથી તેનો પાવડર બનીને તૈયાર થઇ જાય. પાવડર બની ગયા પછી તે એકદમ ચારકોલ કલરમાં જોવ મળશે. હવે 3 ચમચી નારિયેળના પાવડરમાં 2 ચમચી સરસીયાના તેલને મિક્સ કરો. સરસીયાના તેલને બદલે તમે ઓલીવ ઓઈલ પણ વાપરી શકો છો. હવે તેનો ડાઈની જેમ ઉપયોગ કરી શકાય છે.

(7) પાઈલ્સની તકલીફ માંથી મળશે છુટકારો : પાઈલ્સની તકલીફ માંથી છુટકારો મેળવવા માટે નારિયેળના છોતરાને દેશી ઈલાજ માનવામાં આવે છે. ખાસ કરીને તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે અસરકારક માનવામાં આવે છે. એટલા માટે નારિયેળના છોતરાને સળગાવીને તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી સવારે ખાલી પેટ દહીં સાથે સેવન કરવામાં આવે છે. આ એક દેશી રીત છે, તેના માટે તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

(8) દાંતની સફાઈ માટે કરો ઉપયોગ : નારિયેળના છોતરાને દાંતની સફાઈ માટે પણ ઉપયોગ કરી શકાય છે. તે દાંતનું પીળાપણું દુર કરે છે. નારિયેળના છોતરાને સળગાવ્યા પછી તેનો પાવડર એક બોટલમાં સ્ટોર કરી લો અને રોજ તેને તમારા દાંતને સાફ કરવા માટે ઉપયોગ કરો. ધ્યાન રાખોજે આ એક દેશી રીત છે, તેથી હળવા હાથે મસાજ કરીને દાંતને સાફ કરો. વધુ દબાણ કરવાથી પેઢામાં તકલીફ થઇ શકે છે. જો તમને બ્રશથી દાંત સાફ કરવાની ટેવ છે તો કોઈ પણ દેશી રીત ન અપનાવો.

(9) અળવી (અરબી) છોલવા માટે કરો ઉપયોગ : અળવી (અરબી) છોલવાથી લોકોના હાથમાં ખંજવાળ શરુ થઇ જાય છે, જો તમે આ સમસ્યાથી બચવા માંગો છો તો નારિયેળના છોતરાનો ઉપયોગ કરો. ખાસ કરીને તમે નારિયેળના છોતરાની મદદથી અરબી સરળતાથી છોલી શકો છો અને તેમાં વધુ સમય પણ નહિ લાગે.

(10) ઈજા કે સોજાને પણ કરે છે ઓછા : રમતી વખતે કે પછી ગાડી ચલાવતી વખતે તમારા હાથ કે પગમાં ઈજા થઇ જાય છે તો તમે નારિયેળના છોતરાના પાવડરનો ઉપયોગ કરી શકો છો. તે ઈજા, મચકોડ અને સોજામાં રાહત મેળવવા માટે દેશી રીત છે. તેના માટે સૌથી પહેલા નારિયેળના છોતરા માંથી નીકળતા પાવડરને એકઠો કરો અને તેમાં થોડી હળદર મિક્સ કરી દો. હવે આ મિશ્રણને પ્રભાવિત ભાગ ઉપર લગાવો અને પાટો બાંધી દો. દુઃખાવો અને સોજો બંનેમાં તમને રાહત મળશે. ઘણા ગ્રામીણ વિસ્તારમાં આ રીત આજે પણ અજમાવવમાં આવે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular