સેલોની સફળતાની સ્ટોરી : એક સમયે બંગડીઓના વેપારથી થઇ હતી શરુઆત, આજે દરેક ભારતીય ઘરમાં સેલોની પ્રોડક્ટ્સ જોવા મળે છે.
મોંઘવારીના આ સમયમાં 5 રૂપિયામાં શું મળે છે? તો જવાબ છે સેલો પેન. કાંઈ મળે કે ન મળે, પણ સેલો પેન જરૂર મળી જશે. ભારતની અડધાથી વધુ વસ્તી એવી હશે, જે આજે પણ પોતાના ખિસ્સામાં સેલો પેન લઈને ફરે છે.
આજના સમયમાં લોકો માત્ર સેલોની પેન સુધી સીમિત નથી રહી ગયા, પણ ઘરમાં તેનો પ્લાસ્ટિકનો સામાન પણ યુઝ થાય છે. જેમ કે કેસરોલ (રોટલી અને અન્ય સામગ્રી ભરવાનું વાસણ) , ટીફીન, બોટલ, ગ્લાસ વગેરે. સદીઓથી લોકો સેલો બ્રાંડ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા આવ્યા છે અને આગળ પણ કરતા રહેશે. આજે સેલો બ્રાંડ વિષે તો બધા જાણે છે, પણ તેની સફળતાની સ્ટોરી અમુક લોકોને જ ખબર હશે.
બંગડીઓથી લઈને કેસરોલ સુધીની સફર : ઘણા ઓછા લોકો એ વાત જાણતા હશે કે પેન અને પ્લાસ્ટિકની ફિલ્ડમાં ઉતરતા પહેલા સેલો ગ્રુપ બંગડીઓ બનાવતું હતું. સેલો ગ્રુપ ઓફ કંપનીસની શરુઆત મુંબઈના ગોરેગાંવમાં 1967 માં થઇ હતી. સેલો કંપનીએ વેપારની શરુઆત પોલીવિનાયલ કાર્બોનેટ પીવીસીના બુટ અને બંગડીઓ બનાવવાથી કરી હતી. તે દરમિયાન તેમની પાસે માત્ર 7 મશીનો અને 60 કર્મચારી હતા.
ત્યાર પછી કંપનીના ઓનર ધીસુલાલ રાઠોડ પ્લાસ્ટિકના વેપારમાં આવ્યા. ધીસુલાલ રાઠોડે જોયું કે તે સમયમાં સ્ટીલ અને પિત્તળના વાસણની ઘણા ભારે અને વધુ ભાવ વાળા હતા. એટલા માટે તેમણે વિચાર્યું કે પ્લાસ્ટિકના વાસણ બનાવીને લોકો સુધી પહોંચાડવામાં આવે. સામાન્ય જનતા માટે પ્લાસ્ટિકની વસ્તુ સસ્તી અને હળવી રહેતી હતી.
હવે સેલો બુટ-ચપ્પલ બનાવવાની સાથે સાથે બીજી કંપનીઓ માટે પ્લાસ્ટિકની વસ્તુ પણ બનાવી રહી હતી. 1980 ના સમયની વાત છે, જયારે માર્કેટમાં સેલો પ્રોડક્ટ્સનો વેપાર ઝડપથી વધવા લાગ્યો. કહેવામાં આવે છે કે, ધીસુલાલ રાઠોડે પોતાના યુએસએના પ્રવાસ દરમિયાન કેસરોલ વિષે માહિતી મેળવી. વિદેશી લોકો એવા જ નાના નાના વાસણોમાં ભોજન રાખતા હતા. બસ ધીસુલાલ રાઠોડને લાગ્યું કે તે ભારતીયો માટે આ બેસ્ટ આઈટમ બની શકે છે અને બન્યું પણ એવું.
1980 માં તેમણે સેલો કેસરોલને લોન્ચ કર્યું અને તેને માર્કેટમાં લોકોનો ઘણો પ્રેમ મેળવ્યો. ત્યાર પછી માર્કેટમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સેલો પેન લોન્ચ કરવામાં આવી અને તે પણ સફળ થઇ. સમય અને લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કંપની નવી નવી પ્રોડક્ટ્સ બહાર પાડી રહી છે. સેલોને ભારતીય બજારમાં આવ્યાના લગભગ 60 વર્ષ થઇ ગયા અને આજે પણ દરેક ઘરમાં તમને તેની કોઈને કોઈ પ્રોડક્ટ જરૂર મળી જશે.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.