વાળ લાંબા કરવા, તેનો ગ્રોથ વધારવો, તેને ખરતા અટકાવવા જેવી અનેક સમસ્યાનું એક સમાધાન ડુંગળીનું તેલ, જાણો તેને બનાવવાની રીત.
આજના વ્યસ્ત જીવનમાં આપણને પોતાના માટે સમય જ નથી મળતો. એવામાં આપણે આપણા વાળનું પણ ધ્યાન નથી રાખતા અને આપણને વાળ સાથે જોડાયેલી સમસ્યા થવા લાગે છે. આજના સમયમાં વાળ ખરવા ઘણી સામાન્ય વાત થઈ ગઈ છે. વાળમાં ખોડો થવો, માથામાં ખંજવાળ આવવી એ બધી સમસ્યા થવા લાગી છે. એવામાં આપણને એવી વસ્તુ જોઈએ જે ઘરે જ બની જાય, ઇન્સ્ટન્ટ બની જાય, શુદ્ધ હોય અને તે આપણા વાળ માટે ફાયદાકારક હોય.
એવી વસ્તુ છે ડુંગળીનું તેલ. તે ઘરે જ એકદમ સરળતાથી બની જાય છે અને વાળ માટે ફાયદાકારક હોય છે. તેને બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ આપણા વાળ માટે ફાયદાકારક હોય છે. તો આવો તેને બનાવવાની રીત જાણીએ. તેનો ઉપયોગ કરવા પર તમારા વાળ લાંબા થશે, સ્વસ્થ થશે, તેનો ગ્રોથ સારો થશે, તમારા વાળ ખરશે નહિ અને સમય પહેલા સફેદ નહિ થાય.
ડુંગળીનું તેલ બનાવવા માટે જરૂરી સામગ્રી :
ડુંગળી (મધ્યમ આકારની) – 2
લસણ – 1/4 કપ
કઢી લીમડો – 1/2 કપ
નારિયેળ તેલ – 1 કપ (100 ગ્રામ)
સરસવનું તેલ – 1 કપ (150 થી 200 ગ્રામ)
વિટામિન E – 2 કેપ્સ્યુલ
ધ્યાન રહે કે તમારે ડુંગળી સૂકી લેવાની છે એટલે કે જેને બહારથી દબાવો તો વધારે દબાય નહિ એવી. તમને પ્રશ્ન થશે કે, ડુંગળી જ વાળને સુધારવામાં કેમ મદદ કરે છે? તો જણાવી દઈએ કે, તેમાં સલ્ફર હોય છે જે વાળના મૂળને રિજનરેટ કરે છે, તેને મજબૂત બનાવે છે. તે પાતળા વાળને તંદુરસ્ત કરે છે તેને જાડા બનાવે છે અને વાળને સફેદ થવા નથી દેતા. તેનાથી ખોડો પણ દૂર થઈ જાય છે.
ડુંગળીનું તેલ બનાવવા માટે તેને કાપીને ટુકડા કરી લો. પછી તેને મિક્સરની મદદથી પીસી લો. તેમાં પાણીનું એક ટીપું પણ નથી નાખવાનું. તેને પીસ્યા પછી તેમાં 2-3 ચમચી સરસવનું તેલ નાખો. ત્યારબાદ તેને ફરીથી પીસી લો. હવે તેમાં લસણ નાખવાનું છે. તે આપણા વાળ માટે ઘણું હેલ્ધી છે. લસણ એન્ટી બેક્ટેરિયલ હોય છે. તેમાં એક કમ્પાઉન્ડ હોય છે, જેનું નામ સેલેનિયમ છે. તે આપણા વાળના મૂળને સાફ કરે છે.
તેમાં કઢી લીમડાના પાન પણ નાખવાના છે. તે વાળનો ગ્રોથ વધારે છે, તેને મોઈશ્ચરાઈ કરે છે. તે શેમ્પુ, કંડીશનર અને ડાય વગેરેથી થતા નુકશાનથી બચાવે છે. લીમડો નાખ્યા પછી તેને ફરીથી મિક્સરમાં પીસી લો.
હવે તમે તેના માટે લોખંડની જાડી કડાઈ લો. જો તમારા ઘરે લોખંડની કડાઈ નથી તો તમે એલ્યુમિનિયમની કડાઈ લઇ શકો છો, પણ તે જાડી હોવી જોઈએ. જાડી કડાઈમાં ડુંગળી અને લસણ ધીરે ધીરે પાકશે છે અને બળશે નહિ. જો તે બળી જાય તો તેલ કાળું થઈ જશે.
હવે કડાઈમાં ડુંગળી વાળી પેસ્ટ નાખો અને તેમાં બાકી રહેલું સરસવનું તેલ નાખો. હવે તેમાં નારિયેળનું તેલ નાખો. તમે ઈચ્છો તો બે માંથી કોઈ એક પણ નાખી શકો છો. જો તમારા વાળનો ગ્રોથ ઘણો ઓછો છે તો તમે તેમાં થોડું એરંડિયાનું તેલ પણ નાખી શકો છો. બધી વસ્તુને હલાવીને મિક્સ કરી દો.
કડાઈને ગેસ પર મુકો. શરૂઆતમાં 2 થી 3 મિનિટ તેને હાઈ ફ્લેમ પર મુકો જેથી કડાઈ ગરમ થઈ જાય. કડાઈ ગરમ થઈ જાય પછી તમે ફ્લેમ ધીમી કરી દો. આપણે તેલ કે મિશ્રણને બાળવાનું નથી ભલે તેને ગરમ કરતા 20 મિનિટ થાય કે 30 મિનિટ થાય. તેને હલાવતા રહો.
લગભગ 25 મીનીટ થાય ત્યારે તેમાં ફીણ આવવા લાગશે. પછી ગેસ બંધ કરી દો. હવે તેને ગાળવાનું છે. તેના માટે એક બાઉલ ઉપર સ્વચ્છ કપડું મુકો અને તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખો. પછી તેલને ગાળી લો. ધીરે ધીરે દબાવીને તેમાંથી બધું તેલ નીચોવી લો. તમે જોશો કે તેલ કાળું નથી થયું. તે થોડું લીલું હશે કારણ કે તેમાં લીમડો નાખ્યો હતો.
તમે કપડાંમાં વધેલા મિશ્રણને ફેંકી શકો છો નહિ તો તેમાં મુલતાની માટી નાખીને તેનું પેક બનાવીને અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો. થોડો સમય રાખ્યા પછી તેને ધોઈ નાખવું.
હવે ગાળેલા તેલમાં વિટામિન E ની કેપ્સ્યુલ નાખવાની છે. તે બજારમાં સરળતાથી મળી જાય છે. તેને કાપીને તેમાં રહેલું તેલ ડુંગળીના તેલમાં નાખી દો અને સારી રીતે હલાવીને મિક્સ કરી દો. તેને એક કાચની બરણીમાં ભરી દો. તમારું તેલ બનીને તૈયાર છે.
જયારે પણ તમે આ તેલ લગાવો તો તેને વાળમાં 1-2 કલાક રહેવા દો. પછી માથું ધોઈ શકો છો. તમે તેને આખી રાત પણ લગાવીને રાખી શકો છો.
હવે તેને લગાવવાની રીત જણાવી દઈએ. તેને લગાવતા સમયે તમારે જેટલું તેલ લગાવવું હોય એટલું એક વાટકીમાં કાઢી લો. એક વાસણમાં ગરમ પાણી લઈને તેમાં તે વાટકી મૂકી દો જેથી તે ગરમ થઈ જાય. તેને ઘણું વધારે ગરમ નથી કરવાનું. હળવું ગરમ કરવાનું છે. પછી તેને હળવેથી વાળના મૂળમાં લગાવી માલિશ કરવાની છે. તેને નખની મદદથી ઘસવાનું નથી. હળવા હાથે લગાવવાનું છે.