ભગવાન શ્રીગણેશને તુલસીએ કેમ આપ્યો હતો શ્રાપ? અહીં વાંચો આખી સ્ટોરી.
ગણેશોત્સવના મહાપર્વની શરૂઆત થઈ ચુકી છે. આજે ઘરે ઘરમાં ગણેશજી વિરાજમાન છે. બધી બાજુ ઉત્સાહ છવાયેલો છે. લોકો ગણપતિની પૂજા અર્ચના કરી રહ્યા છે. પ્રથમ પૂજ્ય ગણેશજીના ભોગ, પ્રસાદ વિષે તો બધા જાણે છે. તેમના પૂજન દરમિયાન ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ક્યારેય પણ ગણેશ પૂજન દરમિયાન પવિત્ર તુલસીનો ઉપયોગ નથી કરવામાં આવતો. આવો તેની પાછળની પૌરાણિક કથા જાણીએ.
પૌરાણિક કથા અનુસાર એક વાર ગણપતિજી ગંગા કિનારે તપસ્યા કરી રહ્યા છે. તે દરમિયાન ધર્માત્મજ કન્યા તુલસી પણ પોતાના લગ્ન માટે તીર્થયાત્રા કરતી ત્યાં પહોંચી. ગણેશજી રત્નજડિત સિંહાસન પર બેઠા હતા અને ચંદનના લેપ સાથે તેમના શરીર પર રહેલા અનેક રત્ન જડિત હાર તેમની છબીને મનમોહક બનાવી રહ્યા હતા.
તપસ્યામાં લિન ગણેશજીને જોઈને તુલસીનું મન તેમની તરફ આકર્ષિત થઈ ગયું. તેમણે ગણપતિને તપસ્યા માંથી જગાડીને તેમની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. તપસ્યા ભંગ થવાને કારણે તે ગુસ્સે થઈ ગયા.
ગણેશજીએ તુલસી દેવીના લગ્નના પ્રસ્તાવને નકારી દીધો. ગણેશજીના મુખમાંથી ના સાંભળ્યા પછી તુલસી દેવી ઘણા ગુસ્સે થઈ ગયા, ત્યારબાદ તુલસી દેવીએ ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના બે લગ્ન થશે.
તેમજ ગણેશજીએ પણ ગુસ્સે થઈને તુલસી દેવીને શ્રાપ આપ્યો કે તેમના લગ્ન એક અસુર સાથે થશે. આ શ્રાપ સાંભળ્યા પછી તુલસી દેવીએ ભગવાન ગણેશની માફી માંગી.
ત્યારે ગણેશજીએ કહ્યું કે, તમારા લગ્ન શંખચૂર્ણ રાક્ષસ સાથે થશે, પણ તે પછી તમે છોડનું રૂપ ધારણ કરી લેશો.
ગણેશજીએ કહ્યું કે, કળિયુગમાં તુલસી જીવન અને મોક્ષ આપનારી હશે, પણ મારી પૂજામાં તમારો ઉપયોગ નહીં થાય.
આજ કારણ છે કે ભગવાન ગણેશની પૂજામાં તુલસી ચડાવવી શુભ નથી માનવામાં આવતું.
જો તમે પણ ઘરે ગણપતિ બેસાડ્યા છે તો એ વાતનું ધ્યાન રહે કે ભૂલથી તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ ના થાય. આ વાતનું ધ્યાન રાખવાથી તમને પૂજાનું યોગ્ય ફળ મળશે અને ગણેશજી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.