ઘણા બધા વ્રત અને તહેવાર લઈને આવવાનો છે સપ્ટેમ્બર મહિનો, જાણો ક્યારથી શરૂ થઈ રહ્યા છે શ્રાદ્ધ.
સપ્ટેમ્બર મહિનો હવે થોડા જ દિવસોમાં આવી રહ્યો છે, આ મહિને હિંદુ ધર્મ અંતર્ગત ઘણા મહત્વના તહેવાર આવવાના છે. સપ્ટેમ્બર મહિનામાં તહેવારની શરુઆત 3 સપ્ટેમ્બરના રોજ અજા એકાદશીથી થઇ રહી છે, અને 21 સપ્ટેમ્બરથી પિતૃને યાદ કરવાનું પર્વ શરુ થઇ રહ્યું છે. જો તમે આવનારા મુખ્ય તહેવારોની તારીખોથી માહિતગાર નથી તો વધુ વિચારવાની જરૂર નથી, કેમ કે અહિયાં અમે તમને સપ્ટેમ્બર મહિનામાં હિંદુ ધર્મ મુજબ આવતા તહેવારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આવો આ મહિનામાં આવતા તહેવારોની યાદી ઉપર એક નજર કરીએ.
અજા એકાદશી 2021 : જેમ કે અમે પહેલા જ જણાવી દીધું છે કે સપ્ટેબર મહિનામાં તહેવારોની શરુઆત અજા એકાદશીથી જ થઇ રહી છે. 3 સપ્ટેમ્બરના રોજ વદ પખવાડિયાની અગિયારસ તિથીના રોજ અજા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષે આ દિવસ પુષ્ય નક્ષત્રમાં રહેશે એટલા માટે આ દિવસે વ્રત રાખવું ઘણું જ ફળદાયક અને શુભ માનવામાં આવે છે. આ ખાસ દિવસે જો તમે ભગવાન વિષ્ણુજીની પૂજા આરાધના કરો છો અને વ્રત રાખો છો, તો તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
પ્રદોષ વ્રત 2021 : આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આ વ્રત સંપૂર્ણ રીતે ભગવાન શિવજીને સમર્પિત હોય છે. જો તમારી કુંડળીમાં ચંદ્ર દોષ છે તો પ્રદોષ વ્રત રાખવું તમારા માટે ઘણું જરૂરી છે, કેમ કે આ વ્રત કુંડળીમાં ચંદ્રદોષનું નિવારણ કરે છે. આ વખતે આ વ્રત શનિવારના દિવસે આવી રહ્યું છે, અને જો શનિદોષ માંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ વ્રત તમારા માટે હિતકારી સાબિત થઇ શકે છે. આ દિવસે ભગવાન શિવજીની શ્રધાપૂર્વક પૂજા કરો તો તમને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે.
પીઠોરી અમાસ 2021 : હિંદુ ધર્મ અંતર્ગત પીઠોરી અમાસનું ઘણું મહત્વ માનવામાં આવે છે. શ્રાવણ માસના વદ પખવાડિયાની અમાસને પીઠોરી અમાસ કહેવામાં આવે છે. પીઠોરી અમાસ આ વર્ષે 6 સપ્ટેમ્બર 2021 ના દિવસે સોમવારે આવી રહી છે. આ ખાસ દિવસે જો તમે વ્રત રાખો છો તો તેનાથી તમારા પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ માંથી મુક્તિ મળે છે. આ અમાસને કુશગ્રાહિણી અમાસ પણ કહેવામાં આવે છે.
કેવડા ત્રીજ 2021 : દર વર્ષે ભાદરવા માસના સુદ પખવાડિયાની ત્રીજ તિથીએ કેવડા ત્રીજ ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથી 9 સપ્ટેમ્બર 2021 ગુરુવારના રોજ આવી રહી છે. આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને 16 શૃંગાર કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરે છે. આ દિવસે હરિતાલિકા વ્રત રાખવામાં આવે છે.
ગણેશ ઉત્સવ : ગણેશ ઉત્સવનો આરંભ દર વર્ષે ભાદરવા માસના સુદ પખવાડિયાની ચોથ તિથીથી થાય છે. આ પર્વ આ વર્ષે 10 સપ્ટેમ્બર 2021 થી 19 સપ્ટેમ્બર 2021 સુધી રહેશે. પૌરાણીક માન્યતાઓ મુજબ ભાદરવા માસના સુદ પખવાડિયાની ચોથના રોજ જ શ્રીગણેશનો જન્મ થયો હતો અને તે તિથીને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે.
ઋષિ પાંચમ વ્રત 2021 : દર વખતે ઋષિ પાંચમ હરિતાલિકા વ્રતના બે દિવસ પછી અને ગણેશ ચતુર્થીના એક દિવસ પછી આવે છે. આ વખતે આ પર્વ 11 સપ્ટેમ્બરના રોજ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી માણસને તમામ પાપો માંથી મુક્ત કરે છે. તેને સામા પાંચમ પણ કહે છે.
સંતાન સપ્તમી વ્રત 2021 : દર વર્ષે ભાદરવા માસના સુદ પખવાડિયાની સાતમ તિથીના દિવસે આ વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 13 સપ્ટેમ્બર 2021 ના દિવસે સોમવારે આવી રહ્યું છે. આ વ્રત માત્ર બપોર સુધી જ રાખવામાં આવે છે. વ્રત દરમિયાન શિવ પાર્વતીજીની પૂજા કરી સંતાન પ્રાપ્તિની સાથે તેના રક્ષણની પણ કામના કરવામાં આવે છે. વ્રત પછી ખીર પૂરી અને ગોળ પૂરી ખાવામાં આવે છે.
રાધાષ્ટમી 2021 : નામ પરથી જ જાણી શકાય છે કે આ તિથીને કૃષ્ણપ્રિય રાધાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વને કૃષ્ણ જન્માષ્ટમીના બરોબર 15 દિવસ પછી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 14 સપ્ટેમ્બર 2021 ના રોજ મંગળવારે આવે છે. આ દિવસે વૃંદાવન પાસે આવેલા બરસાનામાં વૃષભાનુ અને કીર્તિને ત્યાં રાધાનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે, આ દિવસે વ્રત રાખવાથી રાધાની જેમ પ્રેમની પ્રાપ્તિ થાય છે.
વિશ્વકર્મા પૂજા 2021 : દર વર્ષે ભાદરવા માસની અગિયારસના રોજ શિલ્પકાર અને વાસ્તુકાર વિશ્વકર્મા ભગવાનની વિધિ પૂર્વક પૂજા આરાધના કરવામાં આવે છે. આ વખતે વિશ્વકર્મા પૂજા 17 સપ્ટેમ્બર 2021 ના રોજ શુક્રવારે ઉજવવામાં આવશે. આ દિવસે દુનિયાના સૌથી પહેલા આર્કીટેક માનવામાં આવતા ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય થયો હતો.
અનંત ચોથ 2021 : આ દિવસને ગણેશ ઉત્સવની પુર્ણાહુતીનો દિવસ માનવામાં આવે છે. આ વર્ષે આ તિથી 19 સપ્ટેમ્બર 2019 ના રોજ રવિવારે આવી રહી છે. અનંત ચોથના દિવસે ભગવાન અનંત દેવની પૂજા આરાધના કરવામાં આવે છે સાથે જ આ દિવસે ગણેશ ઉત્સવની પુર્ણાહુતી પણ કરવામાં આવે છે. આ પર્વ દર વર્ષે ભાદરવા માસના સુદ પખવાડિયાની ચૌદશ તિથી પર ઉજવવામાં આવે છે.
શ્રાદ્ધ : 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ પર્વ રહેશે. 21 સપ્ટેમ્બરે ભાદરવા માસના વદ પડવાથી શ્રાદ્ધ શરૂ થશે અને 6 ઓક્ટોબરે ભાદરવા માસની અમાસની તિથિએ શ્રાદ્ધ પુરા થશે.
આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.