બાલ્કનીમાંથી હાથ બહાર કાઢો એટલે સીધો પુલ, શું ભવિષ્યમાં આપણે પણ આવી જ પરિસ્થિતિમાં રહેશું?
જરા વિચારો કે તમારા એપાર્ટમેન્ટની બાલ્કનીથી એક હાથ દુર પુલ કે હાઇવે હોય તો? આ વિચાર યોગ્ય નથી લાગતો, બરાબર ને? પણ ઇજિપ્તના કેટલાક રહેવાસીઓ માટે આ દુ:ખદાયક વાસ્તવિકતા છે. અહીંના શહેરના નબળા આયોજને લોકોને ખૂબ ગુસ્સે કરી દીધા છે.
અહીં રહેલો ફોટો તેરેત અલ-ઝોમોર બ્રિજ (Teraet Al-Zomor Bridge) નો છે, જેને કિંગ સલમાન એક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઇજિપ્તના એક વિસ્તારમાં રહેણાંક ઇમારતોની એકદમ નજીક છે. તેને જોતા એવું લાગે છે કે તે બિલ્ડીંગ સાથે જોડાયેલો છે. (પુલના ફોટા 2020 માં લેવામાં આવ્યા છે.)
પ્રોજેક્ટની યોજના મુજબ, આ હાઇવે બ્રિજ રહેણાંક ઇમારતોથી આશરે 50 સેન્ટિમીટર દૂર છે. લોકો પોતાની બાલ્કની માંથી કૂદીને પુલ પર જઈ શકે છે. અને સંજોગો વસાત કોઈ અકસ્માત થાય તો વાહન પલ્ટી ખાઈને સીધા કોઈના ઘરમાં પણ જઈ શકે છે.
આ પુલ ત્યાંના રહેવાસીઓ માટે ઉચ્ચ સ્તરના પ્રદૂષણનો ભાગ બન્યો છે. અને માત્ર એટલું જ નહીં, લોકો પોતાની બાલ્કનીમાંથી નજીકના સ્થાનને જોતા શોર્ટકટ તરીકે હાઇવેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ પુલની નીચેના ભાગવાળા ઘરોમાં સૂર્ય પ્રકાશ પણ નથી પહોંચતો. પુલને કારણે તેમને કુદરતી અજવાળા વગર રહેવું પડે છે. હાઇવે બ્રિજની નીચે રહેવું એ આદર્શ પરિસ્થિતિ નથી.
આ પુલ 12 કિલોમીટર લાંબો અને 65.5 મીટર પહોળો છે. તેની કિંમત અંદાજે પાંચ અબજ ઇજિપ્તીયન પાઉન્ડ છે જે લગભગ 317 મિલિયન ડોલર (USD) અથવા અંદાજે 2,300 કરોડ રૂપિયા થાય છે.
ઇજિપ્તના ગૃહ મંત્રાલયે દાવો કર્યો હતો કે, રસ્તામાં આવી રહેલી ઇમારતો ખરેખર ગેરકાયદેસર છે અને પુલ બની ગયા પછી તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રહેવાસીઓને વળતર તરીકે 250 મિલિયન ઇજિપ્તીયન પાઉન્ડ ફાળવવાની પણ બનાવવામાં આવી હતી.
જો કે, આ વાતથી અસંતુષ્ટ લોકોએ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી કે, આ ઇમારતો બનાવવાની પરમિટ 2008 માં મળી ગઈ હતી અને આ મિલકત સંપૂર્ણપણે કાયદેસર છે. (ઇન્ડિયા ટાઈમ્સની પોસ્ટનું સંપાદન.)
મિત્રો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે, શું ભવિષ્યમાં આવું દરેક જગ્યાએ થઈ શકે છે? અને આ બાબતમાં કેટલાક લોકોનું માનવું છે કે, હા આવું થવું શક્ય છે. મનુષ્યએ જંગલો અને ખેતરોનો ઉપયોગ મકાનો, બિલ્ડીંગો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે, મોલ, ફેક્ટરીઓ, પુલો, ડેમ, સ્ટેડિયમ એયરપોર્ટ, હાઇવે વગેરે બનાવવા માટે કરી રહ્યા છે અને દિવસે ને દિવસે તેનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે.
પૃથ્વી પર મનુષ્યની વસ્તી એ હદે વધી રહી છે કે તે પશુ-પક્ષીઓની રહેવાની જગ્યા છીનવી રહ્યો છે. લોકો પૈસા માટે બિલ્ડરોને ખેતર વેચી રહ્યા છે, જે ભવિષ્યમાં ખોરાકની અછત ઉભી કરી શકે છે. અને જેમ જેમ માણસની જરૂરિયાત વધશે તેમ તેમ આવા પ્રશ્નો ઉભા થતા રહેશે. પૃથ્વી પરથી ઝાડની સંખ્યા ઘટી રહી છે જે ભવિષ્યમાં મોટા સંકટ લાવશે.
કોન્ક્રીટના જંગલો બનાવી રહ્યો માનવી પોતે જ પોતાનો વિનાશ નજીક લાવી રહ્યો છે. આવું જ શરૂ રહ્યું તો આવા પુલ આપણને અને આપણી આવનારી પેઢીઓને દરેક જગ્યાએ જોવા મળશે. ઇજિપ્તમાં ભલે પ્લાનિંગમાં ભૂલ હોય કે પછી અન્ય કોઈ કારણ હોય, પણ આવી ભવિષ્યમાં માનવી માટે આવી મુશ્કેલીઓ વધી જશે.
ઉદાહરણ તરીકે મુંબઈને જ જોઈ લો, પહેલા મોટા ઘરોમાં ખુલ્લા વિસ્તારમાં રહેતા લોકો હવે નાની નાની ખોલીઓમાં રહે છે. ચીનના અમુક શહેરોમાં તો મુંબઈ કરતા પણ ખરાબ હાલત છે. આગળ શું થશે એ તો હવે સમય જ જણાવશે.