શનિવારે 11 સપ્ટેમ્બરના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપ્યું હતું. એ પછી આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાનો હતો. આ નિર્ણય લેવા માટે કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી જે પૂરી થઈ ગઈ છે. એ પછી ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ જેમાં તમામ ધારાસભ્યોને કમલમમાં હાજરી આપી. અને ધારાસભ્યોની બેઠક પછી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ છે.
ગઈ કાલથી ગુજરાત સહીત આખા દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓ એ વાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે, હવે કોણ ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળશે? પણ હવે લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી જાહેર કર્યા છે અને હવેથી તે ગુજરાતની કમાન સંભાળશે. તે ઘાટલોડિયાના ધારાસભ્ય હતા.
ભુપેન્દ્ર પટેલ AUDA ના એક્સ ચેરમેન રહ્યા છે.
તેઓ સ્ટેન્ડિંગ કમિટીના એક્સ ચેરમેન રહ્યા છે.
તેઓ થલતેજ વોર્ડના એક્સ કોર્પોરેટર રહ્યા છે.
તેઓ એએમસી સ્કુલ વોર્ડના એક્સ વાઇસ ચેરમેન રહ્યા છે.
તેઓ મેમનગર નગરપાલિકાના (1999-2006) ના એક્સ પ્રેસિડેન્ટ રહ્યા છે.
તેઓ સ્ટેન્ડિંગ કમિટી મેમનગર નગરપાલિકાના એક્સ ચેરમેન રહ્યા છે.
વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા પછી પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બનશે એવી વાતો લોકો વચ્ચે થઈ રહી હતી. તે સિવાય દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ, નીતિન પટેલ અને ગોરધન ઝડફિયા અને સી.આર પાટીલનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચાઈ રહ્યું હતું અને લોકો પોતપોતાના મત અનુસાર કહી રહ્યા હતા કે કોણ સીએમ બનશે?
જાણકારી માટે જણાવી દઈએ કે, રવિવારે 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી આ કામ માટે ગાંધીનગર આવ્યા. તેમની સાથે નવા મુખ્યમંત્રીની નિયુક્તિ માટે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સીઆર પાટીલ પણ કમલમ પહોંચ્યા હતા.
મુખ્ય નિર્ણય લેવાનો હોવાથી ગાંધીનગરના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ બહારથી આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરીને જ તેમને પ્રવેશ આપ્યો છે જેથી કોઈ અણબનાવ ના બને. આ અવસર પર ત્યાં મીડીયા કર્મીઓનો પણ જમાવડો જોવા મળ્યો.