જો ટ્રેન મોડી પડે અને ના થાય તમારા જરૂરી કામ તો કરો ફરિયાદ, રેલવે ચુકવશે વળતર, વાંચો સાચા બનાવ વિષે.
ભારતમાં ટ્રેન મોડી પડવી સામાન્ય વાત છે, અને ઘણી વખત આપણે બધાએ કોઈ ને કોઈ રીતે તેનું નુકશાન સહન કરવું પડે છે. ટ્રેન મોડી થવા પર લોકો નિશ્ચિત સમયે જે તે સ્થળે પહોંચી નથી શકતા અને તેમના કામ અટકી જાય છે. આવું ઘણા લોકો સાથે થાય છે, જેમાંથી કેટલાક લોકો આ બાબતે ફરિયાદ પણ કરે છે. એવામાં, સુપ્રીમ કોર્ટે રેલવેને એક ફરિયાદીને 30,000 રૂપિયાનું નુકસાન ચૂકવવા માટે કહ્યું છે, જેની જમ્મુથી શ્રીનગર ફ્લાઇટ રેલવેની અજમેર-જમ્મુ એક્સપ્રેસ મોડી પડવાને કારણે ચૂકી ગઈ હતી. આ ટ્રેન 4 કલાક મોડી હતી.
વળતરનો હુકમ મૂળ રૂપથી જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ ફોરમ, અલવર દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ, નવી દિલ્હી દ્વારા તેના પર સિક્કો લગાવવામાં આવ્યો. પરંતુ ઉત્તર રેલવેએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જેના પર જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝે ચુકાદો આપ્યો.
એક રિપોર્ટ અનુસાર, ઉત્તર રેલવેએ ફરિયાદ કરનારને ટેક્સી ખર્ચ તરીકે 15,000 રૂપિયા, ટિકિટ ખર્ચ તરીકે 10,000 રૂપિયા અને માનસિક વેદના અને મુકદ્દમા ખર્ચ તરીકે 5,000 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રેન મોડી હોવાથી ફરિયાદીની ફ્લાઇટ ચૂકી ગઇ હતી. તેમણે ટેક્સી દ્વારા શ્રીનગર જવું પડ્યું અને એર ટિકિટ તરીકે રૂ. 9,000 નું નુકસાન સહન કરવું પડ્યું. તેમણે ટેક્સીના ભાડા તરીકે 15,000 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. આ સિવાય ડલ તળાવમાં શિકારાના બુકિંગ માટે 10 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું.
એડિશનલ સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, ટ્રેન મોડી દોડાવવાને રેલવેની સેવામાં ખામી ગણી શકાય નહીં. આ અંગે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, રેલવેએ એ વાતના પુરાવા આપવાના રહેશે અને જણાવવું પડશે કે ટ્રેન મોડી પડવાના કારણો નિયંત્રણની બહાર હતા. અને રેલવે તે સાબિત કરવામાં નિષ્ફળ રહી. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, તેમાં કોઈ વિવાદ હોઈ શકે નહીં કે દરેક મુસાફરોનો સમય મૂલ્યવાન છે, અને થઇ શકે છે કે તેમણે આગળની મુસાફરી માટે ટિકિટ લીધી હોય, જેવું કે હાલના કેસમાં થયું છે એમ.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “આ સ્પર્ધા અને જવાબદારીનો સમય છે. જો સરકારી પરિવહને જીવિત રહેવું છે અને ખાનગી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવી છે, તો તેમણે પોતાની સિસ્ટમો અને કાર્ય સંસ્કૃતિમાં સુધારો કરવો પડશે. નાગરિકો અને મુસાફરોને સત્તા/વહીવટની દયા પર છોડી શકાય નહીં. કોઈએ તો જવાબદારી લેવી પડશે. ”
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.