આ કારણે લેટ થઇ તેજસ એક્સપ્રેસ ટ્રેન, હવે IRCTC એ આપવું પડશે પ્રવાસીઓને રીફંડ, જાણો સંપૂર્ણ ઘટનાક્રમ.
ભારત જેવા દેશમાં ટ્રેન લેટ થવી એક સામાન્ય બનાવ છે અને તેમાં પણ બે ત્રણ કલાક મોડું થાય તો પણ સામાન્ય ગણાય છે. પણ આજે અમે જે સમાચાર તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે સાંભળીને તમે ચોંકી જશો. કારણ કે ટ્રેન લેટ થવા ઉપર આઈઆરસીટીસી પ્રવાસીઓને 4.5 લાખથી વધુનું વળતર આપવાની છે. તો આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.
દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસના 2,035 પ્રવાસીઓને રેલ્વે કંપની આઈઆરસીટીસી 4.5 લાખ રૂપિયાનું વળતર આપશે. દિલ્હી અને લખનઉ વચ્ચે ચાલતી આ ટ્રેન શનિવારે અને રવિવારે લેટ થઇ ગઈ હતી. શનિવારે ભારે વરસાદને કારણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન ઉપર સિગ્નલ ફેલ થઇ જવાના કારણે આ ટ્રેન અઢી કલાક લેટ થઇ ગઈ હતી અને રવિવારના રોજ પણ લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ લગભગ એક કલાક લેટ થઇ હતી.
તેજસ એક્સપ્રેસમાં પ્રવાસીઓને વિમાન જેવી સુવિધાઓ આપવામાં આવે છે. એટલું જ નહિ તેજસ એક્સપ્રેસમાં ટ્રેન લેટ થવા ઉપર પ્રવાસીઓને વળતર આપવાની જોગવાઈ છે. ટ્રેનના 1 કલાક લેટ થવા ઉપર પ્રવાસીઓને 100 રૂપિયા અને બે કલાક કે તેનાથી વધુ લેટ થવા ઉપર 250 રૂપિયાનું વળતર આપવાની જોગવાઈ છે. આ રીતે આઈઆરસીટીસી પ્રવાસીઓને 4,49,600 રૂપિયાનું વળતર આપશે. તેજસ એક્સપ્રેસ દેશની પહેલી પ્રાઈવેટ અને કોર્પોરેટ ટ્રેન છે, જેનું સંચાલન આઈઆરસીટીસી કરે છે.
આઈઆરસીટીસીના ચીફ રીજનલ મેનેજર અજીત કુમાર સિન્હાએ જણાવ્યું કે, શનિવારના પ્રવાસ માટે 1,574 પ્રવાસીઓને 3,93,500 રૂપિયા રીફંડ કરવામાં આવશે. રવિવારના પ્રવાસ માટે 561 પ્રવાસીઓમાંથી દરેકને 100 રૂપિયા મળશે. એટલે તેને 56100 કુલ રૂપિયા આપવામાં આવશે. આ રીતે 2,035 પ્રવાસીઓને કુલ 4,49,600 રૂપિયા વળતર આપવામાં આવશે.
આઈઆરસીટીસી મુજબ તેજસ એક્સપ્રેસ શનિવારના રોજ તેના નિર્ધારિત સમય મુજબ સવારે 6:10 વાગ્યે લખનઉ જંક્શનથી નીકળી હતી. પણ સિગ્નલ ફેલ થઇ જવાના કારણે ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. તે કારણે તેજસ એક્સપ્રેસ બે કલાક મોડી દિલ્હી પહોંચી હતી. આ રીતે લખનઉ જઈ રહેલી તેજસ એક્સપ્રેસ પણ લેટ થઇ ગઈ.
પ્લેન જેવી સુવિધાઓ ટ્રેનમાં : તેજસ એક્સપ્રેસ દેશની પહેલી પ્રાઈવેટ અને કોર્પોરેટ ટ્રેન છે, જેનું સંચાલન આઈઆરસીટીસી કરે છે. આ ટ્રેનમાં ખાવાનું, નાસ્તો અને પીવાનું પાણી ફ્રી છે. તેજસ એક્સપ્રેસમાં ડાયનેમિક ફેયર સીસ્ટમ છે એટલે પ્રવાસીઓને કોઈ સબસીડીવાળી ટીકીટ નથી મળતી. 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને ભાડા માંથી છૂટ છે, અને 5 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકોને પૂરું ભાડું લાગે છે.
વિદેશી પ્રવાસીઓ માટે એક્ઝિકયુટીવ ક્લાસમાં 6 અને ચેયર કારમાં 12 સીટો ઉપલબ્ધ રહે છે. તેજસમાં પહેલા એસી ચેયર કારના 9 ડબ્બા અને એક્ઝિક્યુટીવ ક્લાસનો એક ડબ્બો હતો. તેમાં થોડા દિવસો પહેલા વધારો કરવામાં આવ્યો અને એસી ચેયર કારના 12 અને એક્ઝિક્યુટીવ ક્લાસના બે ડબ્બા કરી દેવામાં આવ્યા હતા. આ રીતે ડબ્બા વધ્યા અને ટ્રેનમાં સીટોની સંખ્યા 758 થી વધીને 1048 થઇ ગઈ. તેમાં 936 સીટો એસી ચેયર કાર અને 112 સીટો એક્ઝિકયુટીવ ક્લાસની છે.
વહેલી તકે શરુ થઇ શકે છે પટના-દિલ્હી તેજસ એક્સપ્રેસ : અને જાણકારી મુજબ 1 સપ્ટેમ્બરથી પટનાથી નવી દિલ્હીની તેજસ એક્સપ્રેસ ટ્રેન શરુ થઇ શકે છે. હજુ તે બાબતમાં કોઈ સત્તાવાર માહિતી નથી મળી. તેજસ એક્સપ્રેસ પટના રાજધાનીના સમયે પણ શરુ થઇ શકે છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.