ગુરુવાર, જૂન 8, 2023
Homeવિશેષપુરમાં અટવાયેલા જામનગર વાસીઓના રેસ્ક્યૂનાં દૃશ્યો, સામા પ્રવાહમાં જઈને પણ લોકોને બચાવ્યા.

પુરમાં અટવાયેલા જામનગર વાસીઓના રેસ્ક્યૂનાં દૃશ્યો, સામા પ્રવાહમાં જઈને પણ લોકોને બચાવ્યા.


જામનગરમાં આવેલા પૂરના સમાચારથી તો તમે માહિતગાર હશો જ. અને જો ના હોવ તો જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસમાં જામનગરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાયો છે. જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં વરસેલા સાંબેલાધાર વરસાદને લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં પુરની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા હતા. ચારેય તરફ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી ગઈ હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જોગવડ, વોડીસંગ, બાંગા, ધુડશિયા, કોંજા, ધુંવાવ, અલિયાબાડા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

જણાવી દઈએ કે, ભારે વરસાદને કારણે કાલાવડ તાલુકામાં નદીઓ ગાંડીતૂર બની હતી અને અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેથી લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતા. નદીકાંઠા નજીકમાં લોકો ફસાયા હતા જેમને સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન અંતર્ગત બહાર કઢાયા હતા. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવ્યા હતા.

તે સિવાય જામનગર નજીક આવેલા ધુંવાવા ગામની પણ સ્થિતિ ખરાબ થઇ હતી. નદીના પાણી ગામની અંદર ઘૂસી જવાથી ગામની 50 ટકા વસ્તી પૂરના પાણીમાં ફસાઈ હતી. અને ગામલોકોના કહેવા અનુસાર, તેમણે ઈતિહાસમાં ક્યારેય આવું પૂર જોયું નથી. નાગેશ્વર નદીના કાંઠા પર આવેલા ખોડિયાર મંદિરની આસપાસ પૂરનાં પાણી ફરી વળ્યા હતા જેથી મંદિર પણ અડધું પાણીમાં ડૂબી ગયું હતું. ત્યાં પાંચથી છ જેટલા લોકો છત પર ફસાયેલા હતા, જેમણે મદદ માંગી હતી.

મળતી જાણકારી અનુસાર, જામનગર શહેરના ભોઈવાડા વિસ્તારમાં ધુંવાવના નાકા પાસે રહેણાંક વિસ્તારમાં 10 ફૂટ કરતાં વધુ પાણી ભરાયાં હતા. ત્યાં બોટ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એરફોર્સનાં ચાર હેલિકોપ્ટર જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યા હતા.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લામાં પાણીમાં ફસાયેલા લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા અને તેમને સલામત સ્થળે ખસેડવા અને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા માટે જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી હતી. બાંગામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા જામનગરના અન્ય ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એરલિફટની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને લોકોના જીવ બચાવવામાં આવ્યા.

ધુંવાવ ગામમાં પણ પૂરના પાણી ફરી વળ્યાં હોવાથી મદદ માટે SDRF ની ટીમ મોકલવામાં આવી છે. SDRF ની ટીમ દ્વારા બોટની મદદથી ત્યાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. તે સિવાય કાલાવડ અને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાતા NDRF ની ટીમ મોકલવામાં આવી હતી.

જણાવી દઈએ કે, વડોદરા NDRF ની ટીમ દ્વારા જામનગરના કાલાવડ તાલુકાના પંજેતન નગરમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા.

નીચે જામનગર જિલ્લામાં વરસાદથી મુશ્કેલી હોય તો મદદ માટે કેટલાક નંબરો આપવામાં આવ્યા છે જેના પર લોકો સંપર્ક કરી શકે છે.

જામનગર મનપા નિયંત્રણ કક્ષ : 0288-2770515, 0288-2672208, 9909011502

જામનગર જિલ્લા નિયંત્રણ કક્ષ : 0288-2553404, 0288-2541485

જામજોધપુર તાલુકા : 02898-221136

કાલાવડ તાલુકા : 02894-222002

ધ્રોલ તાલુકા : 02897-222001

લાલપુર તાલુકા : 02895-272222

જોડિયા તાલુકા : 02893-222021

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular