ગુરુવાર, ઓગસ્ટ 18, 2022
Homeવિશેષમમ્મી પાસેથી 1500 રૂપિયા લઈને શરૂ કર્યો બિઝનેસ, હવે મહિને 80 હજાર...

મમ્મી પાસેથી 1500 રૂપિયા લઈને શરૂ કર્યો બિઝનેસ, હવે મહિને 80 હજાર કમાય છે 21 વર્ષનો યુવક.


21 વર્ષના સૌરભ સુકા પાંદડા ઉપર ગુંથણ કરીને દર મહીને 80 હજાર કમાય છે, બોલીવુડ સ્ટાર પણ તેના ફેન છે.

તમે કપડા ઉપર ગુંથણ કરતા લોકોને જોયા હશે. પણ શું તમે કોઈને ઝાડના પાંદડા ઉપર ગુંથણ કરતા જોયા છે? નહિ ને, પણ મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના રહેવાસી સૌરભ દેવઢેએ તેની પહેલ કરી છે. તે છેલ્લા બે વર્ષથી ઝાડના સુકા પાંદડા ઉપર હાથથી ગુંથણ કરી રહ્યા છે અને હોમ ડેકોરેશનની વસ્તુ તૈયાર કરી રહ્યા છે. દેશભરમાં તેમની આ આવડતની ડીમાંડ પણ છે. તે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે. તેમાંથી દર મહીને 80 હજાર રૂપિયાથી વધુ કમાણી થઇ રહી છે.

માતા પિતા ઇચ્છતા હતા કે દીકરો ડોક્ટર કે ઇન્જિનીયર બને : 21 વર્ષના સૌરભ ખેડૂત કુટુંબમાંથી આવે છે. સૌરભના માતા પિતા ઈચ્છતા હતા કે તેમનો દીકરો ડોક્ટર કે એન્જીનીયર બને, પણ બાળપણથી જ સૌરભને ભરત-ગુંથણનો શોખ હતો. એટલા માટે તેમણે આર્ટ ફિલ્ડમાં જ આગળ વધવાનો નિર્ણય લીધો. ત્યાર પછી તેમણે ફેશન ડીઝાઈનીંગનો અભ્યાસ કરવાનો પ્લાન બનાવ્યો. ઘરવાળા તેના માટે રાજી ન હતા. તેમનું માનવું હતું કે ગૂંથવા-ભરવાનું કામ છોકરીઓનું છે, તેમાં કારકિર્દી નથી. જેમ તેમ કરીને સૌરભે તેમને મનાવ્યા અને પુણેની એક કોલેજમાં પ્રવેશ લઇ લીધો.

સૌરભ અહિયાં વધુ દિવસ સુધી અભ્યાસ ન કરી શક્યા. તેમના માનવા મુજબ કોલેજમાં ક્રિએટીવીને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું ન હતું. એટલા માટે તેણે કોલેજ છોડી દીધી અને પછી બીજી સંસ્થામાં પ્રવેશ લીધો. ત્યાં તેનું મન સેટ થઇ ગયું અને અભ્યાસ દરમિયાન જ તેણે ભરત-ગુંથણ પણ શીખી લીધું. સૌરભ કહે છે કે ત્યારે મારા એક મિત્રએ સલાહ આપી કે, આપણે ભણવાની સાથે જ પોતાનો બિઝનેસ કરવાનો પણ પ્લાન કરવો જોઈએ. જેથી આપણે થોડી કમાણી કરી શકીએ. મને તેનો આઈડિયા પસંદ આવ્યો. ત્યારે અમે એ નક્કી ન કરી શક્યા હતા કે કેવા પ્રકારનું કામ કરવામાં આવે અને કેવી રીતે કરવામાં આવે?

માં પાસેથી 1500 રૂપિયા લઈને શરુ કર્યું કામ : તેવામાં તેમના એક સીનીયર અમદાવાદમાં ડીઝાઈનીંગ સાથે જોડાયેલો સ્ટોલ લગાવી રહ્યા હતા, તો સૌરભે તેમની પાસે તે સ્ટોલમાં નાની એવી જગ્યા પોતાના માટે પણ લઇ લીધી. તેમની માં પાસેથી 1500 રૂપિયા લીધા અને ભરત-ગુંથણ માટે સોઈ, દોરા, સુતરાઉ કપડા અને હૂપ ખરીદ્યા. તેની મદદથી કાનના ઝૂમખાં, ગળાના પેન્ડલ અને ઘરમાં શણગારવાના હુક તૈયાર કર્યા. આશરે બે દિવસમાં જ સૌરભની બધી પ્રોડક્ટ્સ વેચાઈ ગઈ. આ પ્રોડક્ટ્સ વેચીને સૌરભે 3500 રૂપિયાની કમાણી કરી.

આ નફા પછી સૌરભે પોતાની આ કળાને વધુ લોકો સુધી પહોંચાડવાનો વિચાર કર્યો. અભ્યાસ દરમિયાન જ સૌરભે સોશિયલ મીડિયા ઉપર એક પેજ બનાવ્યું અને પોતાની પ્રોડક્ટ્સના ફોટા તેની ઉપર અપલોડ કરવા લાગ્યો.

સૌરભને પાંદડા ઉપર ભરત-ગુંથણ કરવાનો વિચાર ત્યારે આવ્યો જયારે તે લોકડાઉન દરમિયાન પોતાના ગામ આવ્યો હતો. તે સમયે સૌરભને ક્વારેંટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. તેની પાસે નવરાશના સમયમાં કરવા માટે કાંઈ જ ન હતું. ત્યારે તેણે કપડા ઉપર જ ભરત-ગુથણ કરવાનું વિચાર્યું, પણ સૌરભ પાસે માત્ર સોઈ અને દોરા હતા, કોઈ કપડું ન હતું જેની ઉપર તે ભરત-ગુંથણનું કામ કરી શકે. પછી તે ફરવા માટે બહાર નીકળ્યો તો તેનું ધ્યાન વડના ઝાડ પાસે પથરાયેલા પાંદડા ઉપર ગયું અને ત્યારે તેના મગજમાં આ આઈડિયા આવ્યો કે તેની ઉપર પણ કાંઈક કારીગરી કરી શકાય છે. સૌરભે થોડા સુકા પાંદડા એકઠા કર્યા અને કામ કરવાનું શરુ કરી દીધું. થોડા સમયમાં જ તે સુંદર ડીઝાઈન બનાવવા લાગ્યો.

સૌરભ જણાવે છે કે જયારે મેં પાંદડા ઉપર બનાવેલા આર્ટના ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવાનું શરુ કર્યું તો લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો. લોકોને તે ક્રિએટીવીટી નવીન લાગી. થોડા સમયમાં જ લોકો તરફથી ઓર્ડર આવવા લાગ્યા. પહેલા જ્યાં હું દર મહીને 7 થી 8 હજાર રૂપિયા કમાઈ શકતો હતો, પણ હવે સારી એવી કમાણી થવા લાગી. તેવામાં સૌરભનો અભ્યાસ પૂરો થઇ ગયો અને નોકરી પણ મળી ગઈ. અહિયાં પગાર સારો હતો, પણ સૌરભનું મન ન લાગ્યું. થોડા દિવસો સુધી નોકરી કર્યા પછી તેણે રાજીનામું આપી દીધું અને પાછો પુણે આવી ગયો.

પુણે આવીને સૌરભે પોતાનો બિઝનેસ આગળ વધારવાનો પ્લાન કર્યો. તેની સાથે તેમની બહેન પ્રાજક્તા અને ભાઈ અનિકેત પણ જોડાઈ ગયા. સૌરભને એક મહિનામાં 25 થી 40 ઓર્ડર મળવા લાગ્યા. તેનાથી ફરીથી તેમનું કામ ચાલુ થઇ ગયું. તે જણાવે છે કે તેમની પ્રોડક્ટ્સની શરુઆત 400 રૂપિયાથી થાય છે. તે કપડા ઉપર પેન્ટિંગ, ભરત-ગુંથણ કરવાની સાથે સાથે પાંદડા ઉપર પણ પોતાની કારીગરી પાથરે છે. સૌરભ હાલ આસામ, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, પંજાબ, ગુજરાત સહીત દેશભરમાં પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે.

એટલું જ નહિ ઘણા બોલીવુડ કલાકાર પણ તેમની કારીગરીના પ્રશંસક છે. તેમાં પ્રસિદ્ધ અભિનેત્રી તાપસી પન્નુનું નામ પણ જોડાયેલું છે. તેમણે તાપસી માટે એક ખાસ હૂપ અને ઈયરરીંગ મોકલ્યા હતા અને તાપસીએ તે લઈને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરી હતી. સૌરભના કામનો વિસ્તાર દરરોજ વધતો જાય છે. ગયા મહીને તેમણે 86 હજાર રૂપિયાની કમાણી કરી છે. સૌરભે ઘણા વર્કશોપ્સ પણ શરૂ કર્યા છે. વર્કશોપ્સથી તેમને વધુ સારો રોસ્પોન્સ મળે છે. અત્યાર સુધી તે લગભગ 20 લોકોને બે વર્કશોપમાં આ આર્ટની તાલીમ આપી ચુક્યા છે. સૌરભ જણાવે છે કે, તે પોતાના આ કામને મોટા પાયા ઉપર લઇ જવા માંગે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular