જલ્દી જ ટ્રેનથી સીધા પહોંચી શકાશે શ્રીનગર, આ રેલ્વે સેક્શન પર કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.
દેશ-વિદેશના પર્યટકોનું ટ્રેનમાં કાશ્મીર પહોંચવાનું સપનું વહેલી તકે સાકાર થવાનું છે. આશા રાખીએ કે વર્ષ 2023 ની શરુઆતમાં રેલ્વેથી બારામુલા (કાશ્મીર) સુધી પહોંચી શકાશે. ઉધમપુર બનીહાલ બારામુલા રેલ્વે સેક્શનમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાત રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ન્યુઝ એજન્સીને જણાવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ જમ્મુના પ્રવાસ ઉપર હતા ત્યારે આ વાત કહી છે.
રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જમ્મુ પ્રવાસ દરમિયાન તેમણે રેલ્વે અધિકારીઓ સાથે બેઠક કરી જમ્મુ કાશ્મીરમાં ચાલુ વિકાસ કાર્યોની મુલાકાત લીધી છે. રેલ્વે કામગીરી દરમિયાન જે મુશ્કેલી થઈ રહી છે તે દુર કરવા માટે જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ સાથે વાત કરવામાં આવી રહી છે. રેલ્વે નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ, જિલ્લા કમિશનર, પોલીસ અધિકારીઓ અને પસંદ કરવામાં આવેલા ઉમેદવારોનો પણ સહકાર મેળવવામાં આવી રહ્યો છે, જેથી નિર્માણ કાર્યમાં કોઈ પ્રકારની તકલીફ ન પડે.
રેલ્વેમંત્રીએ જણાવ્યું કે મોદી સરકારની પ્રાથમિકતા છે કે ટ્રેનોમાં સ્વચ્છતાની વિશેષ કાળજી લેવામાં આવે. પ્રવાસીઓ પાસે પણ સૂચન મંગાવવામાં આવી રહ્યા છે કે, કેવી રીતે ટ્રેનમાં સુવિધાઓમાં વધારો કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી હતી કે વર્ષ 2023 સુધી દેશમાં 75 એવી ટ્રેનો ચાલશે જે દેશના ત્રણ સો શહેરોને એકબીજા સાથે જોડશે.
આ ટ્રેનોમાં પ્રવાસ કરવા વાળા પ્રવાસીઓની મુસાફરી આરામદાયક બને તેના માટે કામ કરવામાં આવી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને પ્રગતિના પંથે લઇ જવા માટે મોદી સરકાર કોઈ કમી રહેવા દેવા માંગતી નથી.
કટડા રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે બે નવા પ્લેટફોર્મ બનાવવા ઉપરાંત બીજી ઘણી સુવિધાઓ પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓને સુવિધાઓ આપવી જરૂરી છે. આ રીતે જમ્મુ રેલ્વે સ્ટેશનમાં પાયાની જરૂરિયાતને મજબુત કરવામાં આવી રહી છે. રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે ઘણા પ્રવેશદ્વાર બનાવવામાં આવી રહ્યા છે. જેનું કામ વહેલી તકે શરુ થશે.
વંદે ભારતમાં પ્રવાસ કરી સુવિધાઓ ચકાસી : રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે હાઈ સ્પીડ કટડા દિલ્હી વંદે ભારત એક્સપ્રેસમાં બેસી જમ્મુ રેલ્વે સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. વંદે ભારતમાં પોતાના પ્રવાસ વિષે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, તે ટ્રેનમાં સ્વચ્છતાને લઈને પ્રભાવિત થયા છે. તેમણે પોતે સ્વચ્છતા ચકાસી અને વંદે ભારતમાં હંમેશા પ્રવાસ કરવા વાળા લોકોને તેમના અનુભવ પૂછ્યા. પ્રવાસીઓને સુવિધાઓ વધારવા વિશે પણ પૂછવામાં આવ્યું છે. ઘણા સૂચન તેમને સારા લાગ્યા છે, જેને શરુ થનારી નવી રેલ્વે ટ્રેનોમાં ઉમેરવામાં આવશે.
કુલીઓએ આ માંગણી કરી : જમ્મુ રેલ્વે સ્ટેશન પર કામ કરવા વાળા કુલીઓએ રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવને પાત્ર સોંપી તેમને રેલ્વેમાં નોકરી આપવાની માંગણી કરી. તેમણે જણાવ્યું કે, વર્ષ 2008 માં તે સમયના રેલ્વેમંત્રી લાલુ પ્રસાદ યાદવે દેશના જુદા જુદા રેલ્વે સ્ટેશનોમાં કામ કરવા વાળા કુલીઓને રેલ્વેના ગેંગમેન બનાવી દીધા હતા. એ ગણતરી મુજબ ફરી એક વખત કુલી તેમને કાયમી રોજગારી આપવાની માંગણી કરી રહ્યા છે.
કુલી એસોસિએશનના પ્રધાન મુકેશ સિંહના જણાવ્યા મુજબ રેલ્વે મંત્રીએ તેમને વિશ્વાસ આપ્યો છે કે, તેમની માંગણી ઉપર અધિકારીઓ સાથે ચર્ચા કરી વહેલી તકે કોઈ નિર્ણય લેશે. રેલ્વે જો તેમના હિતમાં આ નિર્ણય લે છે તો જમ્મુ રેલ્વે સ્ટેશનમાં કામ કરવા વાળા 100 થી વધુ કુલીઓના કુટુંબને તેનો લાભ મળશે.
જમ્મુમાં બની રહેલી સેકંડ એન્ટ્રીની વ્યવસ્થા નિહાળી : જમ્મુ રેલ્વે સ્ટેશનને વિકસાવવાની ગણતરીએ બનાવવામાં આવી રહેલી સેકંડ એન્ટ્રી વિષે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને જાણકારી આપવામાં આવી. તેમને જણાવવામાં આવ્યું કે, લગભગ 221 કરોડ રૂપિયાના ખર્ચે જમ્મુ રેલ્વે સ્ટેશનમાં બીજું પ્રવેશ દ્વાર બનાવી સેકંડ એન્ટ્રી બનાવવામાં આવી રહી છે.
આ એન્ટ્રી જમ્મુ નરવાલથી રેલ્વે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર બનેલા ફ્લાઈ ઓવર સાથે જોડાતા રસ્તા ઉપર બનાવવામાં આવી રહી છે. આ એન્ટ્રી બની ગયા પછી જમ્મુ રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મની સુવિધા વધી જશે. તે ઉપરાંત બંને પ્રવેશ દ્વારોને એકબીજા સાથે જોડવા માટે જમીનમાં ટનલ પણ બનાવવામાં આવશે.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.