પતિએ ઘર છોડ્યું તો સિલાઈ કામ કરીને 3 બાળકોનો ઉછેર કર્યો, હવે દીકરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતી.
ઉત્તર પ્રદેશના ઝાંસી જીલ્લા મુખ્યાલયથી 25 કી.મી. દુર એક ગામ છે પારીછા. આશરે 1400 લોકોની વસ્તી વાળા આ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી અવર જવર વધી છે, મીડિયા વાળા સતત આવી રહ્યા છે. તેનું કારણ છે અહિયાંની દીકરી શૈલી સિંહની સફળતા. 17 વર્ષની શૈલી સિંહે હાલમાં જ નૈરોબીમાં આયોજિત વર્લ્ડ અંડર-20 એથલેટીક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
શૈલીને આ મેડલ લોંગ જંપ સ્પર્ધામાં મળ્યો છે. માત્ર એક સેન્ટીમીટરથી તે ગોલ્ડ મેડલ જીતવાથી ભલે ચુકી ગઈ, પણ જે મુશ્કેલ પરિસ્થિતિઓ માંથી નીકળીને તેણીએ આ સફળતા પ્રાપ્ત કરી છે, તે કોઈ ગોલ્ડ મેડલથી ઓછું નથી. શૈલીની આ સફળતા પાછળ તેની માં ની કાળજી, સંઘર્ષ અને સમર્પણનું પૂરેપૂરું યોગદાન રહ્યું છે. આજની સફળતાની સ્ટોરીમાં જાણો એક નાના એવા ગામ માંથી નીકળીને શૈલી સિંહે દુનિયાને કેવી રીતે પોતાનું કૌશલ્ય દેખાડ્યું.
શૈલી સિંહનું બાળપણ તેના મોસાળ પારીછા ગામમાં જ પસાર થયું. જ્યારે તે 6-7 વર્ષની હતી ત્યારે કોઈ કારણ સર તેના પિતા ધર છોડીને જતા રહ્યા. ત્યાર પછી શૈલી સિંહ અને કુટુંબની જવાબદારી તેમની માં વિનીતા સિંહ ઉપર આવી ગઈ. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. પતિના ઘર છોડ્યા પછી વિનીતા સિંહ થોડા દિવસ પોતાના પિયરમાં રહ્યા તો થોડા વર્ષ ભાડાના ઘરમાં પસાર કરવા પડ્યા.
વિનીતા સિંહ જણાવે છે કે, મારી ઉપર ત્રણ બાળકોની જવાબદારી હતી. આવકનું કોઈ સાધન ન હતું. પિયરના લોકોએ મને ઘણો સહકાર આપ્યો, પણ હું પોતે પણ કાંઈક કરવા માંગતી હતી. કોઈના આશરે રહેવા માંગતી ન હતી. મને સિલાઈ કામ આવડતું હતું એટલે મેં નક્કી કર્યું કે, સિલાઈ કામ કરીને જ આ બાળકોનો ઉછેર કરીશ. ત્યાર પછી મેં ગામમાં રહીને જ લોકોના કપડા સીવવાનું શરુ કર્યું. તેનાથી જે પણ પૈસા મળતા હતા, તેનાથી બાળકોનો ઉછેર કરતી હતી.
શૈલી સિંહ પોતાના ગામના જ સરસ્વતી શિશુ મંદિરમાં ભણતી હતી. રમતગમતમાં નાનપણથી જ તેને રસ હતો. તે સ્કુલ તરફથી અલગ અલગ જગ્યા ઉપર રમવા માટે જતી હતી. દરેક જગ્યાએ તેની પ્રશંસા થતી હતી. કેટલાક લોકોએ વિનીતા સિંહને કહ્યું કે, તમે તમારી દીકરીને સ્પોર્ટ્સ ફિલ્ડમાં મોકલો. તે સારી પ્રગતિ કરશે.
વિનીતા જણાવે છે કે, હું પણ ઇચ્છતી હતી કે મારા બાળકો આગળ વધે. તે જે પણ ફિલ્ડમાં જવા માંગે તેમાં જાય, પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે. તેના માટે મારે જે કરવું પડશે હું કરીશ, કેમ કે હું નથી ઈચ્છતી કે આર્થીક તંગીને લઈને તેમના સપના અધૂરા રહી જાય કે તેમનું જીવન પણ મારી જેવું બની જાય.
ગામના લોકો ઉડાવતા હતા માં ની મજાક : તે દરમિયાન શૈલી સિંહની માં એ ગામના લોકોના મહેણાં સાંભળવા પડ્યા. ઘણા લોકો તેમની મજાક પણ ઉડાવતા હતા કે, દીકરીને બહાર મોકલી રહી છે, છોકરીને રમવા અને દોડવા માટે મોકલી રહી છે. બીજા ગામમાં કે તેની આસપાસ સ્પોર્ટ્સની તાલીમની પણ સુવિધા ન હતી. વિનીતાને તે બાબતને લઇને તકલીફ જરૂર થતી હતી, પણ તેમણે પોતાનો વિચાર ન બદલ્યો. તે દરેક ડગલે શૈલીની સાથે ઉભા રહ્યા, ઘરમાં પણ અને રમતના મેદાનમાં પણ.
શૈલી ગામના છોકરાઓ સાથે સવારે રનીંગ અને લોંગ જંપની પ્રેક્ટીસ માટે જતી હતી. તે દરમિયાન વિનીતા પણ તેની સાથે જતી હતી જેથી છોકરી સમજીને કોઈ તેની સાથે કાંઈ હરકત ન કરી બેસે. એક સમય એવો પણ હતો જયારે શૈલી સિંહ પાસે એથલીટસ વાળા બુટ પણ ન હતા. તેની માં મોંઘા બુટ ખરીદી શકતી ન હતી. તેનાથી તેની મમ્મીને તકલીફ પણ થતી હતી. ત્યારે શૈલી પોતાની માં ને હિંમત આપતી હતી અને કહેતી હતી કે, મમ્મી ચિંતા ન કરો, બુટ તો હું મારી રમતના બળ ઉપર થોડા સમયમાં જ મેળવી લઈશ.
નાની ઉંમરમાં જ શૈલીએ પોતાનો જાદુ પાથરવાનુ શરુ કરી દીધું હતું. તે સ્કુલ તરફથી ઝાંસીની બહાર પણ જવા લાગી હતી અને મેડલ પણ જીતવા લાગી હતી. શૈલી જયારે 14 વર્ષની હતી ત્યારે તેણીએ રાંચીમાં થયેલી નેશનલ જુનીયર એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં 5.94 મીટરની છલાંગ લગાવીને રેકોર્ડ બનાવ્યો હતો. તેના બીજા વર્ષે તેણીએ પોતાનો જ રેકોર્ડ તોડીને અંડર-18 ની શ્રેણીમાં નવો રેકોર્ડ બનાવ્યો. ત્યારે તેણીએ 6.15 મીટરની છલાંગ લગાવીને સૌને ચોંકાવી દીધા હતા.
તે દરમિયાન એક ઈવેંટમાં ભારતની સ્ટાર લોંગ જંપર રહેલી અંજુ બોબી જોર્જના પતિ રોબર્ટ બોબી જોર્જની તેની ઉપર નજર પડી. રોબર્ટને ખબર પડી ગઈ હતી કે ‘ઝાંસીની આ નવી રાણી’માં કાંઈક તો વિશેષ છે. તેમણે શૈલીને બેંગલુરુમાં આવેલી અંજુ બોબી જોર્જ એકેડમીમાં તાલીમ માટે બોલાવી. શરુઆતમાં શૈલીની માં તેના માટે રાજી ન હતી, પણ રોબર્ટે તેમને સમજાવ્યા કે તેમની દીકરી એક ચેમ્પિયન એથલીટ બની શકે છે. ત્યાર પછી શૈલી તાલીમ માટે બેંગલુરુ જતી રહી અને ત્યારથી સતત તે એક પછી એક સ્થાન પ્રાપ્ત કરી રહી છે.
વિનીતા સિંહની મોટી દીકરી બનારસમાં નોકરી કરે છે. હાલમાં જ તેણીએ જોબ લાગી છે. જયારે સૌથી નાનો છોકરો હજુ 7 માં ધોરણમાં ભણે છે. વિનીતા હવે પોતાની દીકરી સાથે બનારસમાં જ રહે છે. તે જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી શૈલી ગામ નથી આવી. તે રમતમાં જ વ્યસ્ત રહે છે. અમે પણ નથી ઈચ્છતા કે તેનું ધ્યાનભંગ કરીએ. ફોન ઉપર જ તેની સાથે વાતચીત થાય છે.
આ વખતે તે મેડલ જીતી તો બધાને ટીવી અને મોબાઈલ દ્વારા પહેલા જ જાણકારી મળી ગઈ હતી, પણ મને ત્યારે ખબર પડી જયારે શૈલીએ ફોન કર્યો. દરેક મેચ પછી શૈલી ફોન ઉપર મારી સાથે વાત કરે છે. એટલા માટે હું ટીવી વગરે દ્વારા માહિતી લેવાને બદલે તેની વાત તેના જ મોઢે સાંભળવાનુ પસંદ કરું છું.
વિનીતા સિંહ જણાવે છે કે, દીકરીની સફળતા પછી દરેક જગ્યાએ તેની ચર્ચા થઇ રહી છે. મીડિયા વાળા સતત ફોન કરી રહ્યા છે, ગામમાં પણ આવી રહ્યા છે. આ બધું જોઇને ઘણો આનંદ થાય છે. મનને શાંતિ મળે છે કે દીકરી અમારું માન વધારી રહી છે, પણ હજુ પણ અમારી તકલીફ ઓછી નથી થઇ. આજે પણ અમારું પોતાનું ઘર નથી. બનારસમાં પણ ભાડાના મકાનમાં દીકરી સાથે રહું છું અને ગામમાં પણ જે કાંઈ છે તે મારા પિયર પક્ષનું છે. હું ત્યાં પણ ભાડાના મકાનમાં રહું છું.
ગામ વાળાની જીભ ઉપર છવાયું છે શૈલીનું નામ : જેવી જ ગામના લોકોને ખબર પડે છે કે મીડિયાના લોકો આવ્યા છે, કે તેમને પ્રેસના સ્ટીકર દેખાય છે, તો તેઓ સીધા એક જ વાત પૂછે છે – શું તમારે શૈલી સિંહના ઘરે જવું છે? આવો અમે મૂકી જઈએ. શૈલીના સિંહ ઘરે પહોંચતા જ તેમની નાની મીરા સિંહને મળે છે. પોતાની પૌત્રીની સફળતાથી તે ઘણી ખુશ છે. તેમણે જણાવ્યું કે, આ આંગણામાં શૈલીનું બાળપણ પસાર થયું છે. તે અહિયાં દોરી બાંધીને રમતી હતી. આજે તેને જે પણ સફળતા મળી છે, તેમાં તેની માં નો સૌથી મોટો હાથ છે.
શૈલી સિંહના નાના મામા સની સૂર્યવંશી જણાવે છે કે, તે દોડ અને રેસની સ્પર્ધાઓમાં હંમેશા ફર્સ્ટ આવતી હતી. તેમની એ પ્રતિભાને જોઈને તેમને સ્કુલ તરફથી ઘણો સહકાર મળ્યો. ત્યાર પછી કાનપુર, લખનઉ વગેરે જગ્યાઓ ઉપર પણ તેમણે ઘણું સારું પ્રદર્શન કર્યું. તો ગામમાં રહેતા નીતિન સિંહ જણાવે છે કે, શૈલી તો અમારી સાથે દોડી છે. જયારે તે ગામમાં રહેતી હતી તો અમારી સાથે પ્રેક્ટીસ કરતી હતી. તેના જુસ્સાને જોઈને અમને ઘણા સમય પહેલા જ અનુભવ થઇ ગયો હતો કે તે આગળ જરૂર કાંઈક કરશે.
ગામના લોકો હવે શૈલી સિંહના ત્યાં આવવાની રાહ જોતા રહે છે. તે જણાવે છે કે, જયારે શૈલી અહિયાં આવશે ત્યારે અમે બધા મળીને ઉજવણી કરીશું. અમને પૂરો વિશ્વાસ છે કે, એક દિવસ શૈલી ઓલમ્પિકમાં પણ મેડલ જરૂર જીતશે, તેને કોઈ રોકી નહિ શકે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.