ગુજરાતના સોમનાથમાં આવેલા જયોતિર્લિંગને પ્રથમ જયોતિર્લિંગ કહેવામાં આવે છે. સોમનાથ મંદિરનો ઇતિહાસ તમે બધા જાણતા જ હશો. અનેક મુશ્કેલીઓ પછી પણ સોમનાથ ફરી ઉભું થયું છે. અને આ મંદિર હંમેશાથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેંદ્ર રહ્યું છે. અહીં હિંદુ ધર્મમાં માનતા લોકો સિવાયના ઘણા લોકો મંદિરની મુલાકાત માટે આવે છે.
દેશની કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મદદથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં આવનારા પ્રવાસીઓની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે થોડા સમય પહેલા જ અહીં 50 કરોડના ખર્ચે ત્રણ વિકાસ કામો કરવામાં આવ્યા છે. અને શુક્રવાર તારીખ 20 ઓગસ્ટના રોજ દેશના પ્રધાનમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ થશે. આ ત્રણ પ્રોજેક્ટથી સોમનાથને ધાર્મિક અને પ્રવાસનના નકશામાં વિશેષ સ્થાન મળશે. આવો તે ત્રણ વિકાસ કામોની વિશેષતા શું છે તે જાણીએ.
જણાવી દઈએ કે, સોમનાથ મંદિરની નજીક દરિયાકિનાર 45 કરોડના ખર્ચે દોઢ કિમી લાંબો વોક વે બનાવવામાં આવ્યો છે. આ વોક વે ને કારણે સોમનાથ આવનારા યાત્રિકો એક તરફ સોમનાથ મહાદેવનું મંદીર અને બીજી તરફ સમુદ્રનો નજારો માણી શકશે. અહીં દુરબીન પણ મુકવામાં આવ્યા છે. આ વોક વે પથ પર લોકો સાઈકલિંગ અને વોકીંગનો લ્હાવો લઇ શકશે. એટલું જ નહિ તેઓ સમુદ્ર સામે બેસી તેનો લ્હાવો લઇ શકે તેના માટે બેસવાની સુવિઘા પણ ઉભી કરવામાં આવી છે.
આ વોક વે પર આવેલા પ્રવાસીઓ ભારતની સંસ્કૃતિને લગતા ચિત્રો જોઈ શકશે. અહીંની ગેલેરીમાં રામાયણના જુદા-જુદા પ્રસંગોને દર્શાવતા ચિત્રો મુકવામાં આવ્યા છે. રાત્રિના સમયે માટે અહીં મ્યુઝિક અને રંગબેરંગી લાઈટ્સની સુવિધા પણ કરવામાં આવી છે જે વોક વેની સુંદરતામાં વધારો કરશે. આ વોક વે પર પ્રવેશ માટે 5 રૂપિયા ફી નક્કી કરવામા આવી છે.
બીજા વિકાસ કાર્યની વાત કરીએ તો, સોમનાથ સાંનિઘ્યે ટુરિસ્ટ ફેસેલિટી કેન્દ્રની બિલ્ડીંગમાં સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર (મ્યુઝીયમ) તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ભવ્ય ભૂતકાળ ઘરાવતા સોમનાથ મંદિરના જૂના ખંડિત અવશેષો, પથ્થરો અને ભૂતકાળના સોમનાથ મંદિરની નાગર શૈલીની મંદિરની વાસ્તુકલાવાળી પ્રતિમાઓને પ્રદર્શિત કરવા માટે મુકવામાં આવી છે.
એટલું જ નહિ આ મ્યુઝીયમમાં ભૂતકાળના સોમનાથ મંદિર સાથે બનેલી ઐતિહાસિક ઘટનાઓની પ્રતિતિ કરાવતું સાહિત્ય, ફોટોગ્રાફસ પણ પ્રદર્શિત કરવા માટે મુકવામાં આવ્યા છે, જેથી વર્તમાન અને ભાવિ પેઢીને પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના ભવ્ય ભૂતકાળ વિષે માહિતી મળતી રહે.
જણાવી દઈએ કે, જૂના સોમનાથ મંદિર પરિસરનો વિકાસ કરી અહીં નવી સુવિઘા ઉભી કરવામાં આવી છે. તેને અહલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. યાત્રાળુઓની સુરક્ષા અને સંવર્ધિત ક્ષમતા માટે જૂના મંદિરના આખા પરિસરનો સંપૂર્ણ રીતે પુન: વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં મંદિરમાં યાત્રિકો સરળતાથી પ્રવેશ કરી બહાર નીકળી શકે તે માટે વિશાળ ખુલ્લુ પરિસર અને પ્રવેશદ્રાર બનાવવામાં આવ્યા છે. આ પરિસરમાં જ 16 દુકાનો બનાવવામાં આવી છે. આ મંદિર ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ દ્વારા બનાવાયું હોવાથી તેમની પ્રતિમા પણ મુકવામાં આવી છે.