ઓલમ્પિકની તૈયારી દરમિયાન પિતાને ગુમાવ્યા, હિંમત ન હારી અને હેટ્રિક લગાવીને રચ્યો ઇતિહાસ.
ઓલમ્પિયન વંદના કટારીયા ટોક્યો ઓલમ્પિકમાં ઈતિહાસ રચ્યા પછી ઉત્તરાખંડ પહોંચી. અહીં પહોંચતા જ હેટ્રિક ગર્લની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી કે, જયારે પણ હું ક્યાંયથી પણ રમીને ઘરે પાછી ફરતી હતી તો પિતા એયરપોર્ટની બહાર ઉભા રહી મારી રાહ જોતા હતા. હું પાપાને ઘણા મિસ કરી રહી છું. ખબર નહિ હું ઘરે પહોંચીને પોતાને કેવી રીતે સંભાળી શકીશ.
ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી વંદના કટારીયાના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. મે મહિનામાં તેમના પિતાએ હૃદયની ગતિ અટકવાને કારણે દુનિયામાંથી વિદાય લીધી હતી. તે સમયે તે બેંગલુરુમાં ટોક્યો ઓલમ્પિકની તૈયારીમાં જોડાયેલી હતી. વંદના પોતાના પિતાની ઘણી નજીક હતી. તેમના પિતાએ હંમેશા તેનો સાથ આપ્યો અને આ ઉંચાઈ સુધી પહોંચવા માટે તેને હિંમત આપી.
જોલીગ્રાન્ટ એયરપોર્ટ પહોંચ્યા પછી વંદનાએ કહ્યું કે, તે પોતાના પિતાને મિસ કરી રહી છે. તે જયારે પણ ઘરે પાછી ફરતી હતી તો તેના ના કહેવા છતાં પણ તેમના પિતા એયરપોર્ટ ઉપર બહાર ઉભા રહી તેને મળતા હતા. પણ તે હવે આ દુનિયામાં નથી. તેણીએ જણાવ્યું કે, ઘરે જઈને ઘરની અંદર તેમને ન જોઈને ખબર નહિ તે કેવી રીતે પોતાની જાતને સાંભળી શકશે.
કોણ મારી હિંમત વધારશે? પિતાના ગયા પછી વંદના પહેલી વખત ઘરે આવી. તેણીએ કહ્યું કે પપ્પાના ગયા પછી પહેલી વખત ઘરે જઈ રહી છું, તેમના વગર ઘર જોઈ ખબર નહિ કેવી રીતે પોતાને સંભાળી શકીશ. તેણીએ કહ્યું કે, મારા પિતા દરેક વાતમાં મારી હિંમત વધારતા હતા. દરેક નિષ્ફળતા ઉપર મને નિરાશ થવા દેતા ન હતા, પણ બમણા ઉત્સાહ સાથે સફળતા માટે રમવા પ્રેરિત કરતા હતા.
મેં હંમેશા તેમનામાં મારા માટે પોતાના કરતા વધુ જોશ અને હિંમત જોઈ. તેમના ગયા પછી હવે મને તે હિંમત અને જોશ કોણ આપશે? નિષ્ફળતા મળવા ઉપર મારી પીઠ થાબડીને ફરીથી ઉઠીને સફળતા મેળવવા માટે કોણ મારી હિંમત વધારશે?
પિતાની ઈચ્છા હતી કે વંદના જીતે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ : વંદનાના પિતાની ઈચ્છા હતી કે તેમની દીકરી ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમનો ભાગ બને. પિતાના આ સપનાને સાકાર કરવા માટે ભારતીય ટીમના કેમ્પમાં વંદનાએ તેની તૈયારીઓ માટે તનતોડ મહેનત કરી હતી. તૈયારીઓ દરમિયાન પિતાના જવાના સમાચાર તેને મળ્યા. તે સમયે મુંઝવણની સ્થિતિ ઉભી થઈ હતી. એક તરફ તેમનું મન કહી રહ્યું હતું કે પિતાના અંતિમ દર્શન સાથે અંતિમ વિદાય આપવા ઘરે જવું છે, તો બીજી તરફ પિતાના સપનાને સાકાર કરવાની પ્રબળ ઈચ્છા હતી.
તેવામાં વંદનાના ભાઈ પંકજ અને માં સોરણ દેવીએ સાંત્વના પૂરી પાડી. માં સોરણ દેવીનું કહેવું છે કે, અમે વંદનાને કહ્યું કે જે ઉદ્દેશ્યની કામના લઈને મહેનત કરી રહી હોય પહેલા તે પૂરા કર, પિતાના આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. આમ તો ટોક્યો ઓલમ્પિકમાં તે ગોલ્ડ તો ન જીતી શકી, પણ પોતાના સારા પ્રદર્શન અને હેટ્રિક લગાવીને ઈતિહાસ રચી વંદનાએ પોતાના પિતાને શ્રધાંજલિ આપી.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.