ગુજરાતીઓ પોતાના બાળકોને લઈને “ગજબ થઇ ગયો!” ફિલ્મ જોવા અચૂક જજો, જાણો કારણ.
ગજબ થઇ ગયો!
ગુજરાતીમાં જ્ઞાન, એ જ અભિયાન. કુતૂહલ માં જ હલ છે બધાં! આખી જિંદગી જેના માટે ખર્ચી નાખી તેવી આ બે ટેગ લાઈન વાંચીને અમે ‘ગજબ થઇ ગયો!’ ગુજરાતી ફિલ્મ જોવા ગયા. મોકો મળે કે તરત જ ગુજરાતી કપડા પહેરવાનું છોડતો નથી. તેથી લેંઘા ઝભ્ભામાં સજ્જ થઇ ને આ ફિલ્મ જોઈ. સાયન્સ ફિક્શન ફિલ્મ હતી તેથી આ ફિલ્મ મારે જોવી પણ હતી.
જેને આકાશમાંથી પડેલી ઉલ્કા ને હાથમાં લઈને જોવાનો અનુભવ હોય. જેને બે સાયન્સ ફિલ્મ બનાવી હોય. એ બંને ફિલ્મ નેશનલ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ માટે નોમિનેટ થઈ હોય. જેને ઇન્ટરનેશનલ પ્લેનેટોરિયમ સોસાયટીમાં દુનિયાભરના સાયન્સ ફિલ્મ મેકર્સની કોન્ફરન્સમાં એવોર્ડ વિનિંગ ફિલ્મમાં સાયન્ટિફિક એરર ઉપર વિદેશોમાં પોતાના પેપર પબ્લીશ કર્યા હોય. જેને વિશ્વની ઉત્તમ ફિલ્મ ૭૦ એમ એમના પડદા ઉપર જોઈ હોય તે ફિલ્મ જોવા જાય તો શું થાય?
પરંતુ ફિલ્મ જ્યારે શરૂ થઈ ત્યારે થિયેટરના ચારે બાજુએ આવેલા સ્પીકરમાંથી દ્રશ્ય મુજબ અવાજ સાંભળવા મળ્યો એટલે કે ફોર ટ્રેક સ્ટીરઓ ફોનિક સાઉન્ડની પ્રતીતિ થઈ એટલે મન એ અવાજ સાંભળવામાં જ પરોવાઈ ગયું. તે ઉપરાંત થોડા દિવસ પહેલા જ સેટેલાઈટનો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ને મહારાષ્ટ્રના ગામમાં પડયો તેવા જ દ્રશ્યો ફિલ્મોમાં જોઈને મન વાર્તા સમજવામાં ગોઠવાઈ ગયું.
જેવી રીતે હું બ્લેકબોર્ડ અને પાઠ્યપુસ્તક વગર વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર શીખવું છું. તેવી જ રીતે આ ફિલ્મનો હીરો બાળકોને વિજ્ઞાનના અને ખગોળ શાસ્ત્રના ઘણા બધા કોન્સેપ્ટ પ્રયોગ કરીને સમજાવે છે. ખાસ કરીને આપણને ચંદ્રનો એક જ ભાગ કાયમ માટે કેમ દેખાય છે? અંગ્રેજી ન આવડતું હોય તો પણ વિજ્ઞાનમાં આગળ વધી શકાય છે. તે વાત પણ દર્શકોને મગજમાં બેસાડવા સફળતા મેળવવાની સાથે સાથે ફિલ્મમાં સસ્પેન્સનું એલિમેન્ટ પણ જોર પકડતું જાય છે.
વિદેશની યુનિવર્સિટીમાંથી એસ્ટ્રો ફિઝિક્સ ભણીને આવેલો નાયક જ્યારે બાળકોને પોતાની રીતે વિજ્ઞાન ભણાવે છે તે વાત સ્કૂલની શિક્ષિકાને પસંદ નથી પડતી. તેથી શિક્ષિકા અને ત્રણ વિદ્યાર્થીઓ એક જૂની હવેલી માં સાયન્સ પ્રોજેક્ટ અને સાયન્સ ક્વિઝ ની તૈયારી કરવા માટે પહોંચી જાય છે.
આમ ફિલ્મ ધીરે ધીરે તેજ ગતિએ આગળ ચાલતી જાય છે. ફિલ્મમાં હોવું જોઈએ તેવું બધું જ આ ફિલ્મમાં જોવા મળ્યું. સાહસ, રોમાન્સ, કોમેડી, સસ્પેન્સ, ફાઈટિંગ, ગીત-સંગીત. મને સૌથી વધારે જે વાત ગમી તે છે વિજ્ઞાન નું તત્વ. ફિલ્મમાં વાર્તાની સાથે વિજ્ઞાનનું જ્ઞાન સરસ રીતે સતત મળતું રહે છે. મોટાભાગના ની ફિલ્મમાં બધું જ હોય છે પરંતુ વિજ્ઞાન નું તત્વ ખૂબ જ ઓછું હોય છે.
ફિલ્મમાં સાયન્સ ફેર ના દ્રશ્યો આવ્યા એટલે હું તો ખુશીથી ઊછળી પડ્યો. કારણકે તે જગ્યા વડોદરાના કમાટીબાગમાં આવેલા પ્લેનેટોરિયમ ની સાયન્સ ગેલેરીની હતી. જેનું બ્યુટીફીકેશન અમે ચાર વર્ષ પહેલા કર્યું હતું. ફિલ્મમાં તે કેટલું સરસ લાગતું હતું. ફિલ્મમાં ચંદ્ર ઉપર બનાવેલી કોલોનીના દ્રશ્યો ‘Back to the moon for good’ ફિલ્મના દ્રશ્યોની યાદ અપાવી ગઈ. આ ફિલ્મનું હિન્દી વર્ઝન અમે તૈયાર કરેલું છે.
આ ફિલ્મ જોયા પછી હું તો એટલું જ કહીશ કે દરેક માતા-પિતાએ પોતાના બાળકો સાથે આ ફિલ્મ જોવી જોઈએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે આ ફિલ્મ જોવી જોઈએ. હું તો સરકારને પણ વિનંતી કરું કે આ ફિલ્મ ટેક્સ ફ્રી તો છે જ પરંતુ તે ઉપરાંત વધારાનું કન્સેશન આપીને લોકો આ ફિલ્મ જોવે તે માટે પ્રોત્સાહિત કરે. તે ઉપરાંત થિયેટરોના માલિકોને પણ હું વિનંતી કરું કે તેઓ પણ આ ફિલ્મની ટિકિટના દર વ્યાજબી રાખે. જેથી વધુ ને વધુ લોકો આ ફિલ્મ જોઈ શકે. મોર્નિંગ શો કે મેટીની શો માં વિશેષ દર રાખી શકાય. આખુંય કુટુંબ એક સાથે જોઈ શકે તેવી બધી વાતો આ ફિલ્મમાં છે.
ફિલ્મના અંતિમ દ્રશ્યમાં બતાવેલી સાયન્સ ક્વિઝ ના છેલ્લા પ્રશ્નના જવાબમાં નાનકડી ભૂલ છે. જે શોધી બતાવશે તેને ઈનામ મળશે.
ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર, અમદાવાદ.
Dhananjay Raval ji દ્વારા