ચંદ્રને ટ્રાફિક લાઈટ સમજી બેઠી ટેસ્લા કાર, ડ્રાઈવરની થઇ એવી હાલત કે બેઠો બેઠો કંટાળી ગયો.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં શામેલ એલન મસ્ક અવકાશમાં પોતાની રુચિને કારણે તો ઓળખાય જ છે, સાથે જ તે ટેસ્લા કારોને લીધે પણ ચર્ચામાં રહે છે. આ કારોમાં એક સ્પેશિયલ ઓટો પાયલટ મોડ છે જેના લીધે કાર ચલાવવાની ઝંઝટ જ દૂર થઈ જાય છે. પણ હાલમાં એક વિડીયો ફેમસ થયા પછી આ કાર ફરી ચર્ચામાં આવી છે.
હકીકતમાં ટેસ્લા કારોમાં રહેલા સેલ્ફ ડ્રાઇવિંગ ફીચરને કારણે ગાડી આપમેળે ચાલે છે. પણ એક વિડીયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો આ કારની પ્રોબ્લેમને લઈને ચર્ચા કરી રહ્યા છે. એ વિડીયો જોર્ડન નેલ્સન નામના એક વ્યક્તિએ બનાવ્યો છે.
જોર્ડન નેલ્સન અમેરિકામાં રહે છે અને તેમણે જોયું કે તેમની સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટેસ્લા વારંવાર અટકી રહી છે. નેલ્સને નોટિસ કર્યું કે કાર વારંવાર ચંદ્રને યલો લાઈટ સમજીને ધીમી થઈ જતી હતી. ત્યારબાદ નેલ્સને તે આખા ઘટનાક્રમનો વિડીયો બનાવી લીધો.
જોર્ડને ત્યાર બાદ ટ્વીટર પર તેનો વિડીયો પોસ્ટ કર્યો અને એલન મસ્કને ટેગ પણ કર્યા. તેમણે આ વિડીયોના કેપ્શનમાં લખ્યું કે, હાય એલન મસ્ક. તમે કદાચ તમારી ટિમના લોકોને જણાવવા માંગશો કે, કઈ રીતે ચંદ્ર તમારી ગાડીની ઓટો પાયલટ સિસ્ટમને ઉલ્લુ બનાવી રહ્યો છે.
તેમણે આ ટ્વીટમાં આગળ લખ્યું કે, આ કારને લાગી રહ્યું છે કે, ચંદ્ર કોઈ યલો ટ્રાફિક લાઈટ છે અને તે વારંવાર ચંદ્રને યલો સિગ્નલ સમજીને ધીરે ધીરે આગળ વધી રહી છે. ત્યારબાદ નેલ્સને વાયરલહોગ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે હાલમાં જ આ ગાડીનું ફૂલ સેલ્ફ ડ્રાઈવિંગ ફીચર્સનું સબ્સ્ક્રિપ્શન ખરીદ્યુ છે.
ટેસ્લા કંપનીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે લોકો ઈચ્છે તો ટેસ્લા કંપનીની ગાડીઓ ખરીદીને દર મહિને 199 ડોલર્સ આપીને ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ ફીચર્સને સબ્સ્ક્રાઇબ કરી શકે છે. જણાવી દઈએ કે, આ પહેલા લોકોએ આ ફીચર માટે કાર ખરીદતા સમયે 10 હજાર ડોલર્સ આપવા પડતા હતા.
Hey @elonmusk you might want to have your team look into the moon tricking the autopilot system. The car thinks the moon is a yellow traffic light and wanted to keep slowing down. 🤦🏼 @Teslarati @teslaownersSV @TeslaJoy pic.twitter.com/6iPEsLAudD
— Jordan Nelson (@JordanTeslaTech) July 23, 2021
આ 23 સેકન્ડના વિડીયોમાં 13 વખત યલો લાઈટને સ્ક્રીન પર જોઈ શકાય છે, પણ ત્યાં કોઈ લાઈટ નહિ પણ ફક્ત પીળો ચંદ્ર હતો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું હતું કે, આ કારના અલ્ગોરિધમને કારણે એવું જોવા મળે છે. આ વિડીયોને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર 1 મીલીયનથી વધારે વખત જોવામાં આવ્યો છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.